ડ્રાઈવ-થ્રુ વેક્સીનનો ૮૫૦૦ નાગરીકોએ લાભ લીધો
સરદાર સ્ટેડીયમ ખાતે ૭૪૭૨ નાગરીકોએ વેક્સીન લીધી
અમદાવાદ, શહેરમાં કોરોના વેક્સીનના ઘસારાને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા ૧૮ થી ૪૪ વર્ષની વયજુથ માટે અલગ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. તેમ છતાં વેક્સીન માટે ભારે ભીડ થતી હતી. કારણે નાગરીકોમાં અફડા તફડીનો માહૌલ પણ જાેવા મળતો હતો.
વેક્સીન લેવા માટે આવેલા નાગરીકોને થતી હાલાકી દૂર કરવા માટે મનપા દ્વારા આઠ મે થી સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે અને ૦૯ મેથી ડ્રાઈવ-ઈન ખાતે ડ્રાઈવ-થ્રુ વેક્સીન શરૂ કરવામાં આવ્યા છે. જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમદાવાદમાં ૪૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરીકો માટે સરદાર પટેલ સ્ટેડીયમ અને ડ્રાઈવ ઇન થીયેટર ખાતે ડ્રાઇવ-થ્રુ વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યા છે.
જેમાં ત્રણ દિવસ દરમ્યાન નવ હજાર કરતા વધુ નાગરીકોને વેક્સીન આપવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યા મુજબ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ૯૦૩, સ્ટેડીયમ (વન) ખાતે ૬૫૬૯ તથા ડ્રાઈવ ઈન થીયેટર ખાતે ૧૨૪૧ વેક્સીનના ડોઝ લગાવવામાં આવ્યા છે. આમ, ત્રણ દિવસમાં ૮૭૧૩ વેક્સીન ડોઝ મૂકવામાં આવ્યા છે. સોમવારે સરદાર પટેલ સ્ટેડીયમ સાઇટ પર ૧૪૦૩ અને ડ્રાઈવ ઇન સાઈટ પર ૧૨૪૧ નાગરીકોને વેક્સીન આપવામાં આવી હતી.