Western Times News

Gujarati News

ડ્રેનેજ-પાણી જાેડાણ લાઈનોની GIS મેપીંગ તૈયાર કરાશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે અંડરગ્રાઉન્ડ યુટીલીટીના કોઈ જ નકશા નથી જેના કારણે પાણી સપ્લાય અને ડ્રેનેજની સમસ્યા ઉદ્‌ભવી રહી છે. મ્યુનિ. વહીવટીતંત્ર અને શાસકોએ અંડરગ્રાઉન્ડ યુટીલીટીના નકશા તૈયાર કરાવવા માટે અનેક વખત જાહેરાતો કરી છે.

પરંતુ આ દિશામાં કોઈ નકકર કાર્યવાહી નથી. તેથી હવે, વોટર અને ડ્રેનેજના કોઈપણ કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવે તેમાં જીઆઈએસ ફરજીયાત રાખવા માટે સુચના આપવામાં આવી છે. જયારે શહેરની બિન-ઉપયોગી ટાંકીઓ ને તોડી પાડવા માટે જવાબદાર વિભાગોને જણાવવામાં આવ્યું છે.

મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમુલભાઈ ભટ્ટના (Standing Committee chairman Amul Bhatt) જણાવ્યા મુજબ વોટર સપ્લાય કમીટીમાં દર મહીને કરોડો રૂપિયાના કામ મંજૂરી માટે આવે છે. તથા પ્રજાકીય સુવિધાના કામો હોવાથી ચુંટાયેલી પાંખ દ્વારા તેને મંજુરી પણ આપવામાં આવે છે.

પરંતુ આ તમામ કામો તો કોઈ જ ડેટા તંત્ર પાસે ઉપલબ્ધ રહેતો નથી. મ્યુનિ.ઈજનેરખાતાના સીનીયર અધિકારીઓ નિવૃત્ત થયા બાદ ડ્રેનેજ અને પાણી જાડાણના ઈજનેર-આઉટલેટ શોધવા મુશ્કેલ પડે તેવી સ્થિતી સર્જાઈ શકે છે. તેથી ડ્રેનેજ અને વોટરના કોઈપણ નવા પ્રોજેકટ માટે ટેન્ડર તૈયાર કરવામાં તેમાં જીઆઈએસ ને ફરજીયાત કરવામાં આવશે.

મ્યુનિ.કોર્પોરેશન પાસે “સ્માર્ટસીટી” અંતર્ગત પર્યાપ્ત ભંડોળ છે. સ્માર્ટસીટી ના ભંડોળમાંથી જીઆઈએસનું સંચાલન કરવામાં આવશે.

મ્યુનિ. કોર્પોરેશનને દર વર્ષે ચારથી પાંચ બિનઉપયોગી ડ્રેનેજ લાઈનો મળી આવે છે. તાજેતરમાં પોટલીયા વોર્ડમાં પણ બિનઉપયોગી ડ્રેનેજ લાઈન મળી છે. જેને ડીશનલ્ટી અને રીહેબીલેટ કર્યા બાદ ઉપયોગમાં લેવામાં આવશે. જીઆઈએસ મેચીંગ ઉપલબ્ધ હોય તો આ પ્રકારની લાઈનોનો પ્રજાકીય કામો માટે ઉપયોગ થઈ શકે છે !
શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં જુની ટાંકી તૂટી પડવા અંગે કમીટી ચેરમેને જણાવ્યું હતું કે સદ્દર ટાંકીમાંથી સપ્લાય વધુ ચાલુ હોવાથી તેને તોડવામાં આવી ન હતી. ટાંકીના નેટવર્ક બદલવાની કામગીરી પૂર્ણ થયા બાદ તેને તોડવા માટે આયોજન કરવામાં આવ્યું હતું.

નાગરીકોની જરૂરીયાતને ધ્યાનમાં રાખી નવા નેટવર્કની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવામાં આવી રહી છે. શહેરમાં ૧૯૧ પાણીની ટાંકીઓ છે. જેમાં ૭૩ નોનયુઝ ટાંકીઓ છે જે પૈકી ર૬ ટાંકીઓ તોડી પાડવામાં આવી છે. કર્મચારીનગરની તૂટી પડેલી ટાંકીના સ્થાને નવી ટાંકી બનાવવા માટે એસ્ટેટ ખાતા પાસે જમીનની માંગણી કરવામાં આવી છે. પરંતુ આ મામલે એસ્ટેટ વિભાગ નિષ્ક્રિય સાબિત થઈ રહયો છે.

સાબરમતી વોર્ડમાં ઓ.એન.જી.સી.સર્કલ પાસે નોનવેજ ફૂડની લારીઓના દબાણ થઈ ગયા છે. જેને દૂર કરવા માટે જવાબદાર અધિકારીઓને સુચના આપવામાં આવી છે. સ્લમ-રીડેવલપમેન્ટ યોજનામાં અનેક ઝૂંપડપટ્ટીના રહીશોએ રસ દાખવ્યો છે. પરંતુ આ લોકોના મિલ્કતવેરા બાકી હોવાથી તે અંગે કાર્યવાહી થઈ શકતી નથી. તેથી માત્ર ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા નાગરીકો કે જેઓ રી-ડેવલપમેન્ટ યોજનામાં ભાગ લેવા ઈચ્છતા હોય તેમના માટે મિલ્કતવેરાની ખાસ યોજના જાહેર કરવા રજુઆતો થઈ છે. મિલ્કતવેરામાં કોઈ ચોકકસ સ્થળ કે સમુદાયને ધ્યાનમાં લઈને યોજનાઓ જાહેર કરવી મુશ્કેલ છે.

તેથી આ મુદ્દે વિચારણા કરવામાં આવશે અને જરૂરીયાત જણાશે તો નિષ્ણાતોની મદદ લેવામાં આવશે. શહેરની સોસાયટીઓમાં ભુલકા ઘર કે ઘોડીયાઘર મોટી સંખ્યામાં ચાલી રહયા છે. તેમની પાસેથી કોમર્શીયલ ધોરણે મિલ્કતવેરો વસુલ કરવા માટે પણ માંગણીઓ થઈ રહી છે. આ મુદ્દે ટેક્ષખાતાના અધિકારીઓને આકારણી કરવા માટે સુચના આપવામાં આવી છે.

પરંતુ આકારણી સમયે જે મિલ્કતમાં શૈક્ષણીક પ્રવૃત્તિ ચાલતી હોય તેના માળખા ને પણ ધ્યાનમાં લેવા તાકીદ કરવામાં આવી છે. અન્યથા આવક કરતા વધારે આકારણી થઈ શકે છે. તેમ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમુલભાઈ ભટ્ટે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.