Western Times News

Gujarati News

ડ્રેનેજ લાઈનોમાં ઠલવાતા કેમીકલયુકત પાણીને રોકવા “ટાસ્ક ફોર્સ”ની રચના

ટાસ્કફોર્સ ટેન્કર માફીયાઓને રોકવાના બદલે ૪૦ મેનહોલ સીલ કર્યા

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગટરના ગંદા પાણીની ટ્રીટ કરીને કે મોટાભાગે ટ્રીટ કર્યા વિના જ નદીમાં છોડવામાં આવી રહયું છે. જેના પરીણામે સાબરમતી નદી શુધ્ધિકરણના પ્રયાસો વારંવાર નિષ્ફળ સાબિત થઈ રહયા છે. સાબરમતી નદીને અશુધ્ધ કર્યા બાદ તંત્ર દ્વારા ખારી નદીને પણ દુષિત કરવામાં આવી રહી છે. ખારી નદી તથા કેનાલમાં કેમીકલયુકત ગંદા પાણી બેરોકટોક ખાલી થઈ રહયા છે. આ મામલે ઉચ્ચકક્ષાએ ફરીયાદ થયા બાદ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને મ્યુનિ. કમીશ્નર સફાળા જાગ્યા છે. તથા ગટર અને નદીમાં એસિડિક વોટરને ખાલી થતા રોકવા માટે“સ્પેશીયલ ટાસ્ક ફોર્સ”ની રચના કરવામાં આવી છે. ટાસ્ક ફોર્સ રાત્રીના સમયે સઘન ચેકીંગ કરે છે. તેમ છતાં કેમીકલના ગંદા પાણીથી નદી અને કેનાલ દુષિત થઈ રહયા હોવાની ફરીયાદમાં ઘટાડો થયો નથી !


ગટરના ગંદા પાણી ને શુધ્ધ (ટ્રીટ) કરવા માટે મનપા દ્વારા સુઅરેજ ટ્રીટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે.પરંતુ મોટાભાગના ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં નિયત પેરામીટર મુજબ સુઅરેજ વોટર ટ્રીટ થતા નથી. એસિડીક વોટરના કારણે પ્લાન્ટની મશીનરીઓ લગભગ ખતમ થઈ ગઈ છે. જેને અપગ્રેડ કરવાની જરૂરીયાત છે. પરંતુ મ્યુનિ.કમીશ્નર અને સીટી ઈજનેર આ મુદ્દે તદ્દન નિષ્ક્રિય છે. જેના પરીણામે મનપાના એસટીપીમાં સુઅરેજ વોટર ટ્રીટ થાય કે ન થાય તેનો કોઈ જ મતલબ રહેતો નથી !

મ્યુનિ. કોર્પોરેશનના તમામ એસટીપીમાં જેટલી માત્રામાં સુઅરેજ વોટરની આવક થાય છે. તેના કરતા વધુ માત્રામાં કેમીકલયુકત પાણી બાયપાસ કરવામાં આવે છે. પીરાણા ઈન્ડ.ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કેમીકલયુકત પાણી બાયપાસ થઈ રહયું હોવાથી સાબરમતી નદી દુષિત બની છે. તેવી જ રીતે વિઝોલ ના એમ.એલ.ડી. પ્લાન્ટમાં પણ કેમીકલયુકત પાણીની આવક વધારે હોવાથી તેને બાયપાસ કરવામાંઆવે છે. જેના પરીણામે ખારી નદી અને કેનાલ દુષિત બની રહયા છે. આ વિસ્તારના સામાજીક અગ્રણીઓ અને નાગરીકો એ ઉચ્ચકક્ષાએ ફરીયાદ કર્યા બાદ “ટાસ્ક ફોર્સ”ની રચના કરવામાં આવી છે. જેમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, મ્યુનિ. કોર્પોરેશન અને પોલીસ વિભાગના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સુત્રોએ જણાવ્યા મુજબ વટવા તથા ઓઢવ જી.આઈ.ડી.સી. માંથી કેમીકલ યુકત પાણી ડ્રેનેજ લાઈનોમાં ખાલી થતા હોવાની વ્યાપક ફરીયાદો મળ્યા બાદ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ટાસ્ક ફોર્સનો સ્ટાફ રાત્રીનાસમયે રામોલ, હાથીજણ, વ†ાલ, વિઝોલ વગેરે વિસ્તારમાં સઘન ચેકીગ કરે છે. કામ શરૂ કરતા પહેલા વિંઝોલ એલ.ટી.પી.માંથી સેમ્પલ લેવામાં આવે છે. ત્યારબાદ રામોલ, હાથીજણ, વટવા વગેરે વિસ્તારના મેનહોલમાંથી પણ સેમ્પલ લેવામાં આવે છે.

ટાસ્કફોર્સની કામગીરી દરમ્યાન જે મેનહોલમાં કેમીકલયુકત પાણી ખાલી થતા હોવાની શંકા હતી તેવા ૪૦ મેનહોલને આર.સી.સી.થી સીલ કરવામાં આવ્યા છે. ટાસ્કફોર્સની રચના બાદ અનટ્રિટેડ વોટરમાં પી.એમ. લેવલનું પ્રમાણ ઓછું થઈ રહયું છે. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મ્યુનિ.સીટી ઈજનેરની નિષ્ફળતા ના પગલે “ટાસ્કફોર્સ”ની રચના કરવાની ફરજ પડી છે. વિંઝોલ એસટીપીમાંથી બાયપાસ થતા પાણીને પર હજી સુધી ઘટાડો થયો નથી.

તેમજ ટાસ્કફોર્સ ૧પ દિવસ કરતા વધુ સમયથી કામ કરે છે. તેમ છતાં ડ્રેનેજ લાઈનમાં એસિડિક વોટર ખાલી કરનાર પકડાયા નથી. પ્રદુષણ બોર્ડ અને મનપા તરફથી ગમે તેટલા દાવા કરવામાં આવે પરંતુ કેમીકલયુકત પાણીની આવકમાં લેશમાત્ર ઘટાડો થયો નથી. ખારી નદીમાં હજી પણ કેમીકલયુકત પાણી ખાલી થઈ રહયા છે. મ્યુનિ.ભવનમાં ચાલી રહેલી ચર્ચા મુજબ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ જ કેમીકલયુકત ટેન્કર ખાલી કરવા માટેના “મેનહોલ”ની વ્યવસ્થા કરી આપે છે. ટાસ્કફોર્સ જે વિસ્તારમાંથી પસાર થઈ જાય

તે વિસ્તારની ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઈનોમાં એસિડીક વોટર ખાલી કરવાની ગોઠવણ થઈ જાય છે. તદ્દઉપરાંત કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ ટેન્કર ભાડે આપવાના ધંધા સાથે સંકળાયેલા છે. મેનહોલ કે સ્ટ્રોમ લાઈનમાં કેમીકલયુકત પાણી ખાલી કરાવવા બદલ ઓછામાં ઓછા રૂ.ર૦ હજારથી ભાવ શરૂ થાય છે. જા કે, આ પ્રકારની માત્ર ચર્ચા થાય છે. પરંતુ તેના કોઈ જ નકકર પુરાવા મળ્યા નથી તેથી તેને આક્ષેપ કે અફવા પણ  માનવામાં આવે છે. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.