ડ્રોનથી દેશનું ડિજિટલ મેપિંગ કરવામાં આવશે
ભારતમાં માળખાકીય વિકાસની જરૂરિયાત પૂરી કરવાની તૈયારીઓ શરૂ
નવી દિલ્હી, બદલાતા સમયની સાથે ભારતમાં માળખાકીય વિકાસની આવશ્યકતા પણ વધી છે. આ માટે સ્પષ્ટ નકશાઓની જરૂર પડે છે. આ માંગણીને પૂરી કરવા માટે ભારતની ૨૫૨ વર્ષ જૂની વિજ્ઞાની સંસ્થા સર્વે ઓફ ઈન્ડિયા પહેલી વાર ડ્રોનની મદદથી દેશનો ડિજિટલ નકશો તૈયાર કરવા જઈ રહી છે.
અત્યાર સુધી ઉપલબ્ધ નકશામાં વાસ્તવિક અને દર્શાવાયેલાં અંતરનો રેશિયો ૧૦ લાખથી ૫૦ લાખ સુધી હોય છે. નવા ડિજિટલ નકશામાં આ રેશિયો ૧ઃ૫૦૦નો હશે. તેનો અર્થ એ છે કે માનચિત્ર પર એક સેન્ટિમીટરનું અંતર ૫૦૦ સેમી.નું દર્શાવશે. ડિજિટલ મેપિંગ પરિયોજના હેઠળ બનાવાયેલા આ હાઈ રિઝોલ્યુશનનો આ થ્રીડી નકશો હશે. તેને આગામી બે વર્ષમાં તૈયાર કરાશે.
આ યોજનામાં લગભગ ૩૦૦ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. તેની મદદથી ભારતના કુલ ૩૨ લાખ વર્ગ કિલોમીટર ક્ષેત્રમાંથી ૨૪ લાખ વર્ગ કિલોમીટર ક્ષેત્રનું મેપિંગ કરાશે. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સેક્રેટરી પ્રો.આશુતોષ શર્માએ જણાવ્યું કે, આ યોજના નેટવર્ક ઓફ કન્ટીન્યુઝલી ઓપરેટેડ રેફરન્સ સ્ટેશન્સ (કોર્સ) નામનાં કમ્પ્યૂટર પ્રોગ્રામ પર આધારિત છે.
કોર્સ કેટલાંક સેન્ટિમીટરના આધારે પણ ઓનલાઈન થ્રીડી પોઝિશનિંગ આંકડા ઉપલબ્ધ કરાવી શકે છે.
મેપિંગ માટે ઉપયોગમાં લેવાતા ડ્રોન્સમાં કોર્સ પ્રોગ્રામવાળા સેન્સર લાગેલાં હશે. લગભગ ૨૦૦થી ૩૦૦ મીટરની ઊંચાઈ પર ઊડનારાં ડ્રોન્સ જ્યારે જમીનની તસવીર લેશે ત્યારે તેના સ્થાનનાં સ્પષ્ટ દેશાંતર અને અક્ષાંશની પણ જાણ થઇ શકશે.
પ્રો.શર્માએ જણાવ્યું કે ડ્રોન મેપિંગથી મળેલા આંકડાઓની ખરાઈનું પરીક્ષણ ભૌગોલિક સૂચનાઓની મદદથી કરાશે. સર્વે ઓફ ઈન્ડિયાના દેશભરમાં લગભગ ૨૫૦૦ કેન્દ્ર છે. જેનો તેના સમન્વય માટે થાય છે. હાલમાં ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક અને હરિયાણામાં મેપિંગનું કાર્ય શરૂ થઇ ચૂક્યું છે.
ધીમે ધઈમે આ યોજનાનો વિસ્તાર દેશના અન્ય ભાગમાં પણ કરવામાં આવશે. વર્ષ ૧૭૬૭માં સ્થાપિત સર્વે ઓફ ઈÂન્ડયા દ્વારા સંચાલિત ડિજિટલ મેપિંગ પરિયોજનામાં નમાની ગંગે મિશનને પણ સામેલ કરાયું છે. આ હેઠળ ગંદા નદીના બંને કિનારાના ૨૫ કિ.મી.ના વિસ્તારોના પૂર પ્રભાવિત મેદાનોનું પણ મેપિંગ કરાશે.