ડ્રોપ બોક્સમાંથી ચેક ચોરી ગઠિયો એક લાખ ઉપાડી ગયો
રામોલમાં બેંકના છેતરપિંડી આચરનારા મહારાષ્ટ્રના પાલઘરના ગઠિયા સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે
અમદાવાદ, શહેરના રામોલ વિસ્તારમાં આવેલ એક્સિસ બેંકની બ્રાંચમાં ડ્રોપ બોક્સમાં એક નાગરિકે નાખેલા રૂપિયા એક લાખના ચેકની બેંક કર્મચારીને મદદ કરવાના નામે ચોરી કરીને લુણાવાડાની બ્રાંચમાં ખોટી ઓળખ આપીને ચેક વટાવી લીધો હતો. આ મામલે રામોલ પોલીસે છેતરપિંડી આચરનારા મહારાષ્ટ્રના પાલઘરના ગઠિયા સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. નોંધનીય છે, વાપીમાં આ જ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. તેથી પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીની કસ્ટડી મેળવવા તજવીજ હાથ ધરી છે.
ઘાટલોડિયામાં રહેતા અને વસ્ત્રાલ એક્સિસ બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા મિતેશભાઈ વાઘેલા પાસે ગત ૩ સપ્ટેમ્બરના રોજ બેંકમાં હાજર હતા ત્યારે ચિરાગભાઈ પટેલ આવ્યા હતા અને કહ્યું હતું કે, તેમણે એક લાખનો એકાઉન્ટ પે ચેક મણિબહેન કુબેરદાસ પટેલના નામનો ડ્રોપ બોક્સમાં ગત ૨૨ ઓગસ્ટે નાખ્યો હતો. જોકે, તેના નાણાં હજુ સુધી તેમના ખાતામાં આવ્યા નથી. આ અંગે બેંક તરફથી તપાસ કરતા જે તે તારીખના બેંકના સીસીટીવી ફૂટેજ ચેક કરતા બેંકના કર્મચારી સાથે એક અજાણ્યો પુરુષ વાતો કરતો નજરે પડ્યો હતો.
દરમિયાન બેંક કર્મચારીને કોઈ તત્કાળ કામ આવતા પાછળ ફરીને કામ કરતા હોઈ તેમને કામમાં મદદ કરવાના બહાને ડ્રોપ બોક્સ ખુલતા તે વખત પોતાનો બેંક ઓફ બરોડાનો ચેક ભૂલથી ડ્રોપ બોક્સમાં નાંખી દીધો હોવાનું કહીને એ ચેક બાજુમાં કરાવીને ચેક લઈને આ પુરુષ બેંકમાંથી નીકળતો કેમેરામાં દેખાયો હતો. ત્યારબાદ બેંકના ગ્‰પમાં વાપી GIDC બ્રાંચમાં એક વ્યક્તિ ચોરી કરેલા ચેકથી પૈસા ઉપાડવા આવ્યો હતો તે પકડાયો હોવાનું જાણવા મળ્યું હતું અને તે વ્યક્તિનું નામ પિયુષ જ્ઞાનેન્દ્ર શર્મા (ઉ.૩૫ રહે. પાલધર, તા. વસઈ-મહારાષ્ટ્ર) હોવાનું અને આ મામલે વાપી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
આ માહિતી આધારે તપાસ કરતા બેંક ઓફ બરોડાનીની લુણાવાડા બ્રાંચમાં આ જ વ્યક્તિએ ગત ૨૩ ઓગસ્ટે પોતાની ઓળખ ચિરાગ પટેલ આપીને ચેક વટાવીને એક લાખ રૂપિયા ઉપાડી ગયો હોવાનું જણાતા અંતે પિયુષ શર્મા વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. રામોલ પોલીસે વાપી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીને ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ લાવવાની તજવીજ હાથ ધરી છે.