ડ્રો વગર આવાસ મકાનો અપાવવાનો ખેલ કરતી ગેંગ AMCની કેન્ટિનમાં જ નાણાંનું વહીવટ કરતી

મકાનો અપાવવાની લાલચે ઠગાઇ કરતી અનેક ગેંગ સક્રિય
બે આરોપીએ અમદાવાદ અને ગાંધીનગર મ્યુનિ.માં હોવાનું કહીને ખોટા સહી-સિક્કાવાળી પહોંચ પણ આપી હતી
અમદાવાદ,
શહેરમાં બની રહેલા આવાસ મકાનો અપાવવાની લાલચે ઠગાઇ કરતી અનેક ગેંગ સક્રિય છે. તેવામાં વધુ એક મહિલા સાથે આવાસ મકાનો ડ્રો વગર અપાવવાના નામે છેતરપિંડી થઇ હોવાનું સામે આવ્યું છે. આનંદનગરમાં રહેતી મહિલાના બાજુના બ્લોકમાં રહેતી મહિલાએ આ પ્રકારની લાલચ આપી હતી. ત્યાર બાદ મુખ્ય આરોપીએ તેના સાગરિતો સાથે મળીને ખમાસા ખાતેની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની કેન્ટીનમાં છેતરપિંડીનો ખેલ ખેલ્યો હતો. મહિલા સાથે આરોપીઓએ અવાર નવાર કેન્ટીનમાં મુલાકાત કરીને આશરે ૭.૫૦ લાખ પડાવી લીધા હતા. ગેંગના બે આરોપીએ તો અમદાવાદ અને ગાંધીનગર મ્યુનિ. કોર્પાેરેશનમાં હોવાનું કહીને ખોટા સહી-સિક્કાવાળી પહોંચ પણ આપી હતી. આ મામલે અનેક અરજીઓ કરાયા બાદ હવે આનંદનગર પોલીસે ગેંગના સાત લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આનંદનગરમાં રહેતા મીનાક્ષીબેન મીયાવડા પરિવાર સાથે ભાડાના મકાનમાં રહે છે. થોડા વર્ષાે પહેલા તેમની બાજુના બ્લોકમાં રહેતી નીતા ઠાકોર સાથે પરિચય થયો ત્યારે નીતાએ તેના જૂના પાડોશી મુકેશ પંચાલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ડ્રો વગર મકાન અપાવવાનું કામ કરતો હોવાની મીનાક્ષીબેનને જાણ કરી હતી. નીતા ઠાકોર કોઇ લાભાર્થી હોય તો મુકેશ પંચાલ વતી ફોર્મ ભરતી હોવાનું પણ જણાવતી હતી. મીનાક્ષીબેન ભાડાના મકાનમાં રહેતા હોવાથી તેમને મકાનની જરૂર હોવાથી તેમણે નીતાને સેટિંગથી ડ્રો વગર મકાન લેવા ઇચ્છા દર્શાવી હતી. બાદમાં નીતાએ આ મુકેશ પંચાલને ફોન કરીને વાત કરતા તેણે ખમાસા મ્યુસિપિલ કોર્પાેરેશનની ઓફિસે મળવા બોલાવતા મીનાક્ષીબેન અને નીતા ત્યાં ગયા હતા. જ્યાં મુકેશે થલતેજ તક્ષશિલા ખાતે મકાન ખાલી હોવાથી સેટિંગ કરી આપવાનું કહીને ૧૨.૫૦ લાખ ભરવા મીનાક્ષીબેનને કહ્યું હતું.
આ ૧૨.૫૦ લાખમાં રોકડા ૮.૫૦ લાખ અને ૪ લાખની લોન કરાવવાનું કહેતા મીનાક્ષીબેન ઘરે પરત ફર્યા હતા. બીજા દિવસે મીનાક્ષીબેન તેમના પતિ સાથે એએમસીની ઓફિસે ગયા હતા. જ્યાં મુકેશ અને તેના સાગરિતો કેન્ટીનમાં હાજર હતા. ત્યાં હાજર પુનિતા વિરાણી, તુષાર પંડ્યા સાથે મીનાક્ષીબેનને મુલાકાત થઇ હતી. બાદમાં નિરવ પંડ્યા કે જેણે ગાંધીનગર મ્યુનિ. કોર્પાેરેશનમાં અને વિપુલ યાજ્ઞિક કે જેણે ખમાસા એએમસીમાં ફરજ બજાવતા હોવાની ઓળખ આપીને મીનાક્ષીબેન સાથે મુલાકાત કરી હતી. મકાન બાબતે મીનાક્ષીબેનને અવાર નવાર આ લોકો સાથે મુલાકાત થયા બાદ તેમણે અઢી લાખ રૂપિયા એએમસીની કેન્ટીનમાં આપ્યા હતા. જે બાદ આરોપીઓ મીનાક્ષીબેનના ઘરે આવીને ૫૦ હજાર રોકડા લઇ ગયા હતા. જ્યારે મુકેશ પંચાલ દર મહિને પાંચ હજાર લઇ જતો હતો. ગેંગના સભ્યોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન મહાનગર સેવા સદનની પહોચ પણ આપી હતી. જેમાં ડે.ડિરેક્ટર તુષાર પંડ્યાના સહી-સિક્કા હતા. બાદમાં આરોપીઓએ મકાનના દસ્તાવેજ, મેન્ટેનન્સ સહિતના ૭.૫૦ લાખ લઇને મીનાક્ષીબેનને મકાન કે નાણાં પરત આપ્યા નહોતા. જ્યારે મીનાક્ષીબેને તપાસ કરાવી ત્યારે આરોપીઓએ આપેલી પહોંચ સહિતના ડોક્યુમેન્ટ નકલી હતા. જેથી આ મામલે આનંદનગર પોલીસને અરજી આપી હતી. SS1