ઢાઢર નદીના પુલ ઉપર તૂટેલી રેલીંગ તથા બિસ્માર રોડને કારણે લોકોમાં અકસ્માતનો ભય
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/08/12-2-1024x768.jpeg)
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: આમોદ પંથકમાં બે દિવસથી સાર્વત્રિક વરસાદ થતાં ધરતીપુત્રોમાં આનંદ છવાયો હતો.ચોમાસાના સીઝનમાં પહેલી વખત સૂકી ધરતીને તરબતોળ કરતો સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતો આનંદિત બન્યા હતા.અને ખેડૂતોના પાકમાં હરિયાળી પથરાઈ ગઈ હતી.અગાઉ ખેડૂતો માટે માફકસરનો વરસાદ ના વરસતા ખેડૂતો ચિંતિત બન્યા હતા.જ્યારે છેલ્લા બે દિવસમાં આમોદમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો.
આ ઉપરાંત સાર્વત્રિક મેઘમહેર થતા આમોદ પાસે વહેતી ઢાઢર નદી પણ બે કાંઠે વહેતી થઈ ગઈ હતી અને નદીમાં નવા નીર આવતા લોકો નદી ઉપર ટહેલવા નીકળી પડ્યા હતા. આમોદ પંથકમાં સાર્વત્રિક વરસાદ વરસતા ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ હતી જેથી લોકો નદીમાં આવેલા નવા નીર જોવા માટે ટહેલવા નીકળી પડ્યા હતા.
પરંતુ ઢાઢર નદીના પુલ ઉપર લાગેલી રેલીંગ અનેક જગ્યાએથી તૂટી ગઈ હોવાથી લોકો માટે આફત રૂપ બની શકે છે તેમજ નદીના પુલ ઉપરથી અનેક ભારદારી વાહનોની અવરજવરને કારણે અનેક જગ્યાએ મસમોટા ખાડા પણ પડી ગયા છે જેથી વાહનચાલકો પણ પરેશાન બન્યા છે અને ઉબડખાબડ રસ્તાને કારણે કયારેક અકસ્માતનો સંભવ પણ રહે છે જેથી તંત્ર દ્વારા વહેલી તકે સમારકામ કરાઈ તે ઈચ્છનીય છે.