તંગી વચ્ચે ઈફકો કલોલમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવશે
નવી દિલ્હી: ખાતરનું ઉત્પાદન અને વેચાણ કરતી સહકારી સમિતિ ઈફ્કોએ કોરોના સંકટ વચ્ચે દેશમાં ઓક્સિજનની જે તંગી વર્તાઈ રહી છે તેને અનુલક્ષીને એક ખૂબ સુંદર પહેલ કરી છે. ઈફ્કો ગુજરાતના કલોલ ખાતે આવેલા પોતાના કારખાનામાં ૨૦૦ ક્યુબિક મીટર પ્રતિ કલાકની ઉત્પાદન ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ લગાવી રહ્યું છે.
ઈફ્કો આ ઓક્સિજન હોસ્પિટલોને ફ્રીમાં પૂરો પાડશે. આ કારખાનામાં તૈયાર થનારા એક ઓક્સિજન સિલિન્ડરમાં ૪૬.૭ લિટર ઓક્સિજન હશે. માંગને અનુલક્ષીને આ કારખાનુ દરરોજ ૭૦૦ મોટા ડી ટાઈપના અને ૩૦૦ મીડિયમ બી ટાઈપના સિલિન્ડરમાં મેડિકલ ગ્રેડનો ઓક્સિજન પૂરો પાડશે. આ ઓક્સિજન હોસ્પિટલનો ફ્રીમાં પૂરો પાડવામાં આવશે અને એટલું જ નહીં,
મહામારીમાં દેશની મદદ કરવા ઈફ્કો આવા વધુ ૩ પ્લાન્ટ પણ સ્થાપિત કરશે. આ માટે હોસ્પિટલોએ ખાલી સિલિન્ડર મોકલવાના રહેશે. જાે કોઈ હોસ્પિટલ પોતાના સિલિન્ડર નહીં મોકલે તો આ માટે તેણે સિક્યોરિટીની રકમ જમા કરાવવી પડશે. હોસ્પિટલો સિલિન્ડરનો ભરાવો ન કરે તે માટે આ વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે. ઈફ્કોના એમડી અને સીઈઓ ડૉ. યુએસ અવસ્થીએ પોતે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે.