તખ્તા પર આવી ઉભો છું, ને રોજ હું વેશ ભજવું છું, સંવાદો કોઈ જ યાદ નથી, ને તોય હું રોલ ભજવું છું
તખ્તા પર આવી ઉભો છું, ને રોજ હું વેશ ભજવું છું, સંવાદો કોઈ જ યાદ નથી, ને તોય હું રોલ ભજવું છું. -અજ્ઞાત
રંગમંચ
શેક્સપિયર કહી ગયેલા કે દુનિયા એક રંગમંચ છે અને આપણે બધા પોતપોતાના પાત્ર ભજવી રહ્યા છીએ. પણ એને પણ ખ્યાલ નહીં હોય કે એક જ માણસે એકી સાથે બધા જ પાત્રો ભજવવા પડે તો કેવો હાલ થાય ! આવું લેખિકા – કવિયત્રી પન્ના નાયક કહે છે.
ગઈ કાલે વર્લ્ડ થીએટર ડે (વિશ્વ રંગમંચ દિવસ) ગયો. તો આજે એની વાત કરીએ. હું થીએટર કરતી, થીએટરના લોકોને મળવાનું થતું. એમાં કોઈએ એક સરસ કિસ્સો કહેલો જે આજે પણ મને યાદ છે; વાત કંઇક આવી હતી. એક વ્યક્તિ હતો જે નાટકનો ખૂબ ઉમદા કલાકાર હતો. એક જગ્યાએ તે એના પેર્ફોમન્સ માટે ગયેલો.
નાટક ચાલુ થયું. લોકોની ભીડ જામી, ઘણા બધા લોકો એકઠા ગયા. એ અભિનેતાનો અભિનય એટલો બધો સરસ હતો કે એ ભીડમાંથી એક વ્યક્તિ સામેથી આવીને એ પાત્ર ભજવનાર અભિનેતાને હાથમાં ૫૦ રૂપિયાની નોટ આપી પણ એ પાત્ર ભજવનાર અભિનેતાએ એ ૫૦ રૂપિયાની નોટ ફાડી નાખી.
જેણે પૈસા આપ્યા હતા એ વ્યક્તિ પાછો પોતાની જગ્યાએ જઈને બેસી ગયો. નાટક પૂરું થયું. ત્યારે એ કલાકાર મંચ પરથી આવ્યો અને જેણે પૈસા આપ્યા હતા એ વ્યક્તિને એણે કહ્યું.
“મને માફ કરી દેજાે કે મેં તમારી આપેલી ૫૦ રૂપિયાની નોટ ફાડી દીધી. એ વખતે હું મારું પાત્ર ભજવી રહ્યો હતો. જે પાત્ર ગાંડા વ્યક્તિનું હતું. હું મારા પાત્રમાં હતો એટલે જ મેં એ વ્યવહાર કર્યો, જે એક ગાંડો વ્યક્તિ કરે. રંગમંચ પર રહીને હું મારા પાત્રને ના ભૂલી શકું એટલે મારે એ વ્યવહાર કરવો પડ્યો.”
અજવાળું રંગમંચ ઉપર પાથરી જુઓ,
માણસ થવાનો આપ અભિનય કરી જુઓ.
-આદિલ મન્સૂરી
આદિલ મન્સૂરી કહે છે માણસ થવાનો અભિનય તો કરી જુઓ. આ અભિનય તમને લાગે એટલો સહેલો નથી. ઉપર પન્ના નાયકે કહ્યું એમ દરેક વ્યક્તિએ એક નહિ અનેક પાત્રો ભજવવાના હોય છે. એ પણ બખૂબી કંઇ પણ ભૂલ કર્યા વગર.. પણ એ પોસીબલ નથી.
યે જવાની હૈ દીવાની મૂવીનો એક ડાયલોગ કદાચ આજે અહીં ફિટ બેસશે. “ ચાહે કિતના ભી ટ્રાય કરલો કુછ ના કુછ તો છૂટેગા હી” તમે ગમે તેટલું ટ્રાય કરી લો સારા બનવાનું, સારા રહેવાનું, તોય કંઇક ને કંઇક તો ખૂટશે જ. કોઈકની લાઈફમાં તો તમે વિલન બનશો જ. કેમ કે દરેકની દરેક અપેક્ષાઓ આપણે પૂરી કરી શકતા નથી.
જીવન એક અને જવાબદારીઓ અનેક, ક્યાંક તો કશુંક રહી જ જશે ને…! શેક્સપિયરના નાટકો હું તો ભણી છું. ઓથેલો હોય કે રોમિયો જુલીએટ કે પછી હોય જુલીઅસ સીઝર. શેક્સપિયરએ ટ્રેજડી બહુ લખી છે લાઈફમાં પણ એવું જ છે. કોમેડી કરતા ટ્રેજેડી યાદ રહી જાય છે. સ્મિત કરતા આંસૂઓની ઉંમર લાંબી હોય છે.
ઓથેલોમાં એક પત્ની પતિ સાથે વિશ્વાસઘાત કરે છે. રોમિયો જુલીએટમાં પ્રેમની વાત છે. જુલીઅસ સીઝરમાં દોસ્ત બીજા દોસ્તને દગો આપે છે. આ બધી ઘટનાઓ તમારા જીવનને ક્યાંક ક્યાંક સ્પર્શતી જ હોય છે અને તમને યાદ રહી જાય છે. ઘણા એવા નાટકો છે જે ખરેખર જાેવા જેવા છે.
સોક્રેટિસ, સમુદ્ર મંથન, અકૂપાર, મુકામ પોસ્ટ હૃદય, તું લડજે અનામિકા, ધ વેઇટિંગ રૂમ્સ, ૧૦૨ નોટ આઉટ, હું ચંદ્રકાન્ત બક્ષી, યુગપુરુષ ઘણા બધા… આ બધા નાટકો જાે તમારા શહેરમાં થાય તો ચોક્કસથી જાેવા જજાે. નાટકોને સમાજનું દર્પણ કહેવાય છે. પહેલાના સમયમાં તો સંદેશો કે શીખ શેરી નાટકો કે ભવાઈ દ્વારા જ અપાતી. નાટક તો આ બધાનું મોર્ડન સ્વરૂપ છે. ઘણા બધા નાટકો પરથી બોલીવૂડની મુવીઝ પણ બની છે.
જેમકે “રોમિયો જુલીએટ” પરથી “રામ લીલા”, “ઓથેલો” પરથી “ઓમકારા”, હેમ્લેટ પરથી હૈદર, મેકબેથ પરથી મકબૂલ અને આ દરેક નાટકો શેક્સપિયરના જ છે. રસ્કિન બોન્ડનું પુસ્તક “સુઝેન્સ સેવન હસબંડ” પરથી બનેલી ફિલ્મ “સાત ખૂન માફ.” મેં તમને ઉપર કહ્યું એમ જ નાટક સ્પર્શે છે અને ટ્રેજડી વધુ સ્પર્શે છે. કેમ કે એ ક્યાંક ને ક્યાંક તમને કનેક્ટ કરતી જ હોય છે. તમારા ઈમોશન્સને અડતી જ હોય છે.
હાઉસફૂલ ફિલ્મની સ્ટોરી કદાચ તમને યાદ નહિ રહે, પણ રામ લીલા, બાજીરાઓ મસ્તાની, કલ હો ના હો, કહાની, લૂટેરા, દેવદાસ આ બધી મુવીઝની સ્ટોરી યાદ રહી જ જશે. કારણકે એમાં ભાવનાઓ છે, જે તમને અડે છે. હાસ્ય આવીને જતું રહે છે પણ આંસૂઓને તો રોકવા પડે છે.
આજે વર્લ્ડ થીએટર ડે પર હું તમને કહું છું કે સારા સારા નાટકો જાેવા જાેજાે. જિંદગીના પાત્રો બરાબર નિભાવજાે પણ એટલું જરૂર યાદ રાખજાે કે; આપણે ક્યારેય પણ કોઈને પણ એની ઈચ્છા પ્રમાણે ખુશ નથી જ રાખી શકતા, તો બધામાં પોતાને ખુશ રાખવાનું ભૂલી ના જતા.
છેલ્લે આટલું કહીશ કે આજના દિવસે હમણાં બે ત્રણ મહિના પહેલા આવેલી પ્રતિક ગાંધી અભિનીત ફિલ્મ “ભવાઈ”નું આ ગીત “મોમ કી ગુડીયા” ચોક્કસ સાંભળજાે, જે આજના દિવસ પર સુટ કરે છે. શબ્બીર એહમદે લખ્યું અને કમ્પોઝ કર્યું છે, ગાયું છે અમન તીરખાએ. જેની આ લાઈન્સ ખૂબ સરસ છે.
“દુનિયા રંગમંચ હૈ, ખેલ ખેલતે હૈ સબ, જૈસે મદારી નચાયે નાચતે હૈ -સબ રંગમંચ પે”