તણાવ ઘટાડવા અને એનર્જી વધારવા આ પીણું પીઓ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/03/BlueBerry.jpg)
ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ ગયો છે. બાળકોનો તો સ્ટ્રેસમાં હોય જ છે, સાથે સાથે તેમના વાલીઓને પણ પરીક્ષાની ચિંતા થતી હોય એ સ્વાભાવિક છે. ઘણીવાર બાળકોમાં પરીક્ષાને લઈને એક ડર હોય છે, જેને વાલીઓ દ્વારા વિવિધ ઉપાયો દ્વારા દૂર કરી શકાય છે જેથી તેમને પરીક્ષા દરમિયાન એકાગ્રતા જાળવવામાં કોઈ મુશ્કેલી ન પડે.
આ માટે તેમણે તેમના બાળકોના ટ્યૂશન-કોચિંગ અને વ્યક્તિગત-માર્ગદર્શન તેમજ તેમના પૌષ્ટિક આહારનું ખાસ ધ્યાન રાખવું પડશે. આજકાલ બાળકોની યાદશક્તિ વધારવાના નામે બજારમાં એવા તમામ પ્રકારનાં પીણાં આવવા લાગ્યા છે જે પરીક્ષાના સમયના તણાવને દૂર કરીને તમારા બાળકની યાદશક્તિ અને એકાગ્રતાની ક્ષમતામાં વધારો કરવાનો દાવો કરે છે. જાે કે, તેમના દાવાઓ વાસ્તવિકતાથી દૂર છે. તમે ઘરે કેટલાક એનર્જી ડ્રિંક્સ બાળકોને પીવડાવીને તેમને હેલ્પ કરી શકો છો.
ડાર્ક ચોકલેટ શેક
બાળકોને ચોકલેટનો સ્વાદ ગમે છે. તેમજ તેમાં કેટલાંક એવાં તત્ત્વ જાેવા મળે છે, જે બાળકોની યાદશક્તિ, એકાગ્રતા અને માનસિક ક્ષમતામાં સુધારો કરે છે. તેમાં જાેવા મળતું કેફીન બાળકના મગજને સક્રિય રાખે છે. તે રક્ત પરિભ્રમણ પણ યોગ્ય રાખે છે. આ સિવાય આ શેકમાં દૂધમં રહેલું ગ્લુટાથિઓન એક સારું એન્ટીઓક્સિડન્ટ છે, જે મગજને તેજ બનાવે છે.
બદામવાળું દૂધ
યાદશક્તિ વધારવામાં બદામના ગુણો અજાેડ છે. સદીઓથી આ માટે બદામનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણીવાર, બાળકોની યાદશક્તિ સારી રાખવા માટે, માતાઓ તેમને રાત્રે પલાળેલી બદામને દૂધ સાથે આપે છે. જ્યારે બદામ દૂધમાં ભેળવવામાં આવે છે, ત્યારે બદામના ગુણો અનેકગણા વધી જાય છે. આ ઉપરાંત દૂધમાં હાજર ગ્લુટાથિઓન એન્ટીઓક્સિડન્ટ મગજને મજબૂત બનાવવાનું પણ કામ કરે છે.
બ્લૂ-બેરી અને સ્ટ્રોબેરી
બેરીમાં સારી માત્રામાં એન્ટિઓક્સિડન્ટસ અને વિટામિન-સી હોય છે, જે બાળકોની યાદશક્તિ વધારવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ તત્વો છે. બેરીમાં જાેવા મળતા તત્ત્વ મગજના કોષોને નુકસાન થવા દેતા નથી અને બાળકની માનસિક ક્ષમતામાં સુધારો કરે છે. તેને સ્વાદિષ્ટ બનાવવા માટે તમે તેને દૂધ અથવા દહીંમાં પણ મિક્સ કરી શકો છો.
ગોળની ચા
ગોળમાં તમામ પ્રકારના પોષક તત્ત્વ હોય છે, જે બાળકોની યાદશક્તિ તેમજ તેમની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. તેમજ ગોળ મગજને ઊર્જાને આપે છે અને તાજગીનો અહેસાસ કરાવે છે, તેથી પરીક્ષાના દિવસોમાં બાળકને માત્ર ગોળની ચા જ આપો.
બીટનો રસ
બીટરૂટ પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. વિટામિન એ, કે, સી અને બીટા-કેરોટિનની સાથે બીટરૂટમાં ફોલેટ અને પોલિફિનોલ્સ પણ સારી માત્રામાં હોય છે. આ તત્વો બાળકના મગજને સક્રિય રાખવા અને તેની યાદશક્તિ અને એકાગ્રતા વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. બાળકોના પરીક્ષાના તણાવને દૂર કરવા માટે બીટરૂટનો રસ પીવડાવો.