Western Times News

Gujarati News

‘તને કોઈ જુએ એ લાયક નહીં રાખું’ પતિની પત્નીને ધમકી

પ્રતિકાત્મક

અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં એક મહિલાને પતિના અવસાન બાદ અન્ય પુરુષ સાથે પ્રેમ સબંધ બાંધી લગ્ન કરવાનું ભારે પડ્યું છે. આરોપીએ મહિલા સાથે લગ્ન કર્યા બાદ અવારનવાર તેની પાસેથી રૂપિયા પડાવ્યા હતા. અંતે મહિલા પર એસિડ ફેંકવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. રાણીપ વિસ્તારમાં રહેતી એક મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે વર્ષ ૨૦૧૦માં તેમના પતિના અવસાન બાદ વર્ષ ૨૦૧૯માં શાસ્ત્રીનગરમાં રહેતા એક પુરુષ સાથે તેનો પરિચય થયો હતો. ત્યારબાદ બંન્ને વચ્ચે પ્રેમ સબંધ થતાં જાન્યુઆરી ૨૦૨૦માં ઘી કાંટા મેરેજ બ્યૂરોમાં લગ્ન કરી લીધા હતા. બાદમાં મહિલા તેના ઘરે બાળકો સાથે રહેતી હતી. લગ્ન બાદ લાૅકડાઉનને કારણે બંને એકબીજાને મળી શક્યા ન હતા.

પહેલી જુલાઈના દિવસે આરોપીએ મહિલાને ફોન કર્યો હતો અને સોલામાં ૪૨ લાખનું મકાન લેવાનું હોવાનું કહીને મહિલાને મકાન જાેવા માટે લઈ ગયો હતો. જ્યાં મહિલાને કહ્યું હતું કે તું કરિયાવરમાં કંઈ લાવી નથી એટલે તારે અત્યારે પાંચ લાખ રૂપિયા આપવા પડશે. જાેકે, મહિલાએ રૂપિયા આપવાનો ઈન્કાર કરતા તેને મારી મારીને ઘરે પરત મૂકી ગયો હતો.

ત્યારબાદ આરોપીએ એક્ટિવા લેવા માટે મહિલા પાસે રૂપિયા ૫૦ હજારની માંગણી કરી હતી. એટલે ૧૮ મી જુલાઇના દિવસે મહિલાએ તેને એકિટવા લેવા માટે રૂપિયા આપ્યા હતાં. ૧૯મી જુલાઇના દિવસે આરોપી મહિલાનાં ઘર નીચે આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે તે તેને લેવા માટે આવ્યો છે. જાે મહિલા તેની સાથે નહીં આવે તો સોસાયટીમાં ઈજ્જતનો ભવાડો કરી નાખવાની ધમકી આપી હતી. મહિલા તેની સાથે જતા આરોપી મહિલાને ગોતા ખાતેમાં મકાનમાં લઈ ગયો હતો.

અહીં એક્ટિવાને લઈને બંને વચ્ચે ઝઘડો થતાં આરોપીએ મહિલાને ‘તને કોઈ જુએ એ લાયક નહીં રાખું’ કહી મોઢા પર એસિડ ફેંકીને સળગાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.