તપોવન ટનલમાંથી વધુ ૧૦ મૃતદેહ મળતાં કુલ મૃતાંક ૫૩
ચમોલી: ઉત્તરાખંડના ચમોલીમાં આવેલી આફતમાં અત્યાર સુધીમાં ૫૩ લોકોના મોત થઈ ગયા છે. તપોવનમાં ટનલની અંદરથી ૮ અને બહારથી ૨ શબ મળ્યા છે. જાેકે, હજુ પણ ટનલની અંદર ગતિથી રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. જે રીતે મૃતદેહ મળી રહ્યા છે તેથી અંદર હજુ પણ મજૂરો ફસાયેલા હોવાની સંભાવના દેખાઈ રહી છે. આ ટનલમાં લગભગ ૩૫ લોકો ફસાયેલા હોવાની આશંકા હતા. આ સિવાય આ વિસ્તારમાં ૧૫૪ લોકો ગુમ હોવાનું સામે આવ્યું છે.
ટનલની અંદર પાછલા ૯ દિવસથી સતત ચાલી રહી છે, પરંતુ ભારે પ્રમાણમાં કાટમાળ જમા હોવાના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં અડચણો આવી રહી છે. અત્યાર સુધીમાં ૧૪૦ મીટર સુધીનો કાટમાળ દૂર કરવામાં આવ્યો છે. બીજી તરફ ટનલમાં ડ્રીલ કરીને તેની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જાેકે, હજુ સુધી તેમાં સફળતા મળી નથી.
બીજી તરફ સુરંગની બહાર ઉભેલા મજૂરોના પરિવારજનો તેમાંથી બહાર કાઢવામાં આવી રહેલા મૃતદેહને જાેઈને વધારે વ્યથિત થઈ રહ્યા છે અને તેમની સકારાત્મકતામાં ઘટાડો થઈ રહ્યો છે. ટનલમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યા છે જેના કારણે તેમની આશાઓ પર પાણી ફરી રહ્યું છે.
૧.૬ કિલોમીટર લાંબી ટનલમાંથી કાટમાળ દૂર કરવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે. આ પ્રોજેક્ટ સાઈટ પર ઈલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવતા આલમ પુંડીરના ભાઈ સુરજ પુંડીર જણાવે છે, મને સમજાતું નથી કે શું કહેવું, જ્યારે અધિકારીઓએ અમને લાશ ઓળખવા માટે બોલાવ્યા ત્યારે મોટો આંચકો લાગ્યો. મારા ભાઈની પાંચ દીકરીઓ છે જેમાંથી એક માત્ર ૮ મહિના નાની છે. હવે તેમને મારે શું કહેવું?