તબલિગી જમાતના આઠ વિદેશી સભ્ય નિર્દોષ જાહેર
કોરોના સંબંધી ગાઈડલાઈનનું પાલન નહીં કરવાના આરોપમાં ૯૫૫ વિદેશી તબલિગી સામે કેસ કર્યો હતો
નવી દિલ્હી, દિલ્હીની એક સાકેત જિલ્લા અદાલતે તબલિગી જમાતના આઠ વિદેશી સભ્યોને આરોપમુક્ત કરી દીધા છે. પોલીસે કહ્યું હતું કે આ તમામ વિરુદ્ધ પ્રથમદર્શી સબૂત મળ્યા હતા. દિલ્હી પોલીસે કથિત રીતે વિઝાની શરતોના ઉલ્લંઘન, ધાર્મિક પ્રચારની ગતિવિધિઓમાં સામેલ હોવાના અને સરકારની કોરોના સંબંધી ગાઈડલાઈનનું પાલન નહીં કરવાના આરોપમાં ૯૫૫ વિદેશી તબલિગીઓ સામે કેસ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં નિઝામુદ્દીન મરકઝમાં જમાતના સભ્યોમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો ત્યારે આ ઘટના ભારે ચર્ચાનો વિષય બની હતી. આ કેસ પોલીસે દાખલ કર્યો ત્યારે મોટાભાગના સભ્યોએ અરજી કરનારની સાથે સમજૂતિ કરી લીધી હતી અને પોતાના દેશમાં જતા રહ્યા હતા તો ૪૪ તબલિગીઓએ કેસ લડવાનું નક્કી કર્યું હતું. વરિષ્ઠ વકીલ રેબેકા જોન અને આશિમા મંડલે આ લોકોનો કેસ લડ્યો હતો. સાકેતની કોર્ટના મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ગુરમોહિના કૌરે આ તમામ ૪૪ સભ્યોમાંથી આઠને નિર્દોષ જાહેર કરી દીધા છે.
બાકીના ૩૬ ને વિદેશી અનિધિનિયમના ધારા ૪૪ અને આઈપીસીની ધારા ૨૭૦ અંતર્ગત હાનિકાર કામ કરવાના આરોપમાંથી મુક્ત કરી દીધા છે. જોકે, આ લોકો સામે હજુ ભારતીય દંડસંહિતા અંતર્ગત કેટલાક કેસો ચલાવવા બાકી છે. કોર્ટે ૩૬ વિદેશીઓ વિરુદ્ધ આરોપો ઘડતાં કહ્યું હતું કે, સાક્ષીઓ, ખાસ કરીને સ્વાસ્થ્ય અધિકારીઓના નિવેદનથી પહેલી નજરે એ સાફ છે કે ભૌતિક અંતર રાખવાના નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું. અદાલતે બાકીના આઠ સામે કોઈ રેકોર્ડ કે પુરાવા ન હોવાને કારણે તેમને નિર્દોષ મુક્ત કરી દીધા હતા. જેમને આરોપમુક્ત કરાયા છે તેમાં બે ઈન્ડોનેશિયા, એક કિર્ગિસ્તાન, બે થાઈલેન્ડ,એક નાઈજિરિયા તેમજ એક-એક કઝાકિસ્તાન અને એક વ્યક્તિ જોર્ડનનો છે.SSS