તબિયત લથડતાં છોટા રાજનને એમ્સમાં ખસેડાયો
નવી દિલ્હી: તિહાડ જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી છે અને એ પછી તેને સારવાર માટે દિલ્હીની એમ્સમાં ખસેડવામાં આવ્યો છે. એવુ કહેવાય છે કે, તેને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે. તાજેતરમાં જ મુંબઈની એક વિશેષ અદાલતે ૨૦૦૧માં મુંબઈમાં બિલ્ડર અને ફિલ્મ ફાઈનાન્સર યુસુફ લાકડવાલા પર ગોળી ચલાવવાના મામલામાં છોટા રાજન સામે સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને સ્વીકારી લીધો હતો. આ પ્રકારનો રિપોર્ટ કોર્ટને ત્યારે આપવામાં આવે છે
જ્યારે તપાસ એજન્સીને લાગે કે, આરોપી સામે કોઈ પૂરાવા નથી. આ કેસમાં કોર્ટે છોટા રાજનને છોડવાનો હુકમ પણ આપ્યો છે. જાેકે ડોન માટે બહાર આવવુ શક્ય નથી. કારણકે બીજા પણ કેસ તેની સામે ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બે મહિના અગાઉ છોટા રાજનને કોરોના થયો હતો અને તેને તે વખતે પણ એમ્સમાં ખસેડાયો હતો. ૨૦૧૫માં છોટા રાજનને બાલી ટાપુથી પકડીને ભારત લાવવામાં આવ્યો હતો. તેની સામે અપહરણ, હત્યા જેવા ૭૦ કરતા વધારે કેસ નોધાયેલા છે. પત્રકાર જયોતિ ડેની હત્યાના કેસમાં તેને આજીવન કારાવાસની સજા અપાઈ છે.