તબીબને કોરોના દર્દીઓની સારવારનું ઘેલું લાગ્યું, નવ મહિનાથી પરિવારને જોયો નથી ?
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ભારત દેશમાં અત્યારે કોરોના હાહાકાર મચાવી રહ્યો છે.લોકો પણ એક બીજા થી દુર રહેવા મજબૂર બન્યા છે.આવા કપરા સમયે કેટલાક તબીબો સાચા અર્થમાં કોરોના વોરિયર્સ તરીકે ઉભરી આવ્યા છે.સેવાની ફળની અપેક્ષા રાખ્યા વગર સતત કોરોનાના દર્દીઓ ની સેવા કરે છે. આવા જ એક સેવાભાવી યુવા તબીબને દિલથી સલામ આપવાનુ મન થઇ આવે વાત જાણે એમ છે કે,સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે – 8 પર બ્રાહ્મણોની વસ્તી ધરાવતુ રાયગઢ ગામ આવેલુ છે.
આ ગામના ડો.ચારૂદત્ત ગોર નામ નો યુવાન તબીબ એમ.બી.બી.એસ. નો અભ્યાસ પૂર્ણ કરીને એમ.ડી. ની ડીગ્રી મેળવવા અભ્યાસ કરી રહ્યો છે.ગુજરાતના કોરોના હોટસ્પોટ શહેર તરીકે ગણના થતા સુરત શહેરમાં અભ્યાસ કરી રહ્યો છે
તે હાલ સુરતની કોવીડ હોસ્પીટલ તરીકે જાહેર કરાયેલી મહાવીર હોસ્પિટલમાં સેવા આપી રહ્યો છે. તાત્કાલિક સારવાર વિભાગમાં ફરજ બજાવતા ડો.ચારૂદત ગોરને કોરોનાના દર્દીઓની સારવાર કરવાનું જાણે ધેલુ લાગ્યું છે.જેને લઇને છેલ્લા નવ મહિનાથી પોતાની પરવા કર્યા વિના સુરતની હોસ્પિટલમાં સતત સેવા આપી રહ્યા છે.
કોરોના પોઝિટિવનો ભોગ બનેલા કેટલાક દર્દીઓ પોતાના સ્વજન સમાન દીકરાની દેખરેખ હેઠળ નવજીવન મેળવી રહ્યા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે.એટલા પ્રેમ અને હુંફ થી તે દર્દીઓની કાળજી તેની ફરજ દરમ્યાન લઇ રહ્યો છે. જેના બદલામાં દર્દી અને તેના પરીવાર તરફ થી મળતા સ્નેહ તેને ફરજ પ્રત્યે પ્રોત્સાહિત કરે છે.
ડો. ચારુદત્તના માતા ડો નિમિષા અને પિતા ડો વિજય ગોર પણ તબીબ છે, તે બંને જણા પણ ગ્રામિણ વિસ્તારમાં લોકોની સારવાર કરીને રાયગઢ ગામે જીવન ગુજારી રહ્યા છે. સુરતમાં કોરોનાના દર્દીઓ ની સારવાર કરી રહેલા યુવા તબીબ ચારુદત ગોર સંસ્મરણોને વાગોળતાં એટલું જ કહે છે કે હું માણસાઇનુ ઋણ ચૂકવી રહયો છું. લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી