તબીબી બેદરકારી બદલ તબીબે દર્દીને વળતર પેટે રુ. ૩ લાખ ચૂકવાનો હુકમ
ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને બનાસકાંઠાના કાંકરેજના થરાના ડો. દિનેશ ગજ્જરને બેદરકારી દાખવવા બદલ દર્દી શ્રીમતી રમીલાબેન દેવાભાઈને(ગામ – ભદ્રેવાડી- તા.કાંકરેજ) ને રુ. ત્રણ લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે. ડો. વી.પી. પટેલની અધ્યક્ષતા હેઠળના ફોરમે આદેશ આપ્યો છે કે,
ડો. ગજ્જરે તા- ૧૯-૦૮-૨૦૨૧થી રકમ ચૂકવાય તે તારીખ સુધીના ૯ ટકા વ્યાજ સહિત બે માસમાં રકમ ચુકવવી. વધુમાં આદેશમાં જણાવાયું છે કે, જો તબીબ નિયત સમયમાં રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો હાલના હુકમ વિરુદ્ધ ઉપરના કમિશન/અદાલતના હુકમના કોઈ મનાઈ હુકમ ન હોય તો રુ. ૫(પાંચ) હજાર વધારાના ખર્ચે પેટે અરજદારને ચૂકવવાના રહેશે. આ નિર્ણયના પગલે દર્દીને ન્યાય મળ્યો છે.
કેસની વિગતો અનુસાર ફરિયાદ શ્રીમતી રમીલાબેનને ગર્ભાશયના ઓપરેશન દરમિયાન ડો. દિનેશ ગજ્જરે નિષ્કાળજી અને બેદરકારી દાખવી હતી. આ કેસમાં દર્દીએ બે-ત્રણ હોસ્પિટલમાં ફરવું પડ્યું હતું અને બે મેજર ઓપરેશન કરાવવા પડ્યા હતા, જેથી તેમને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.
આ માટે તેમને નાણાકીય ખર્ચ થયો અને શારિરીક અશક્તિના કારણે આર્થિક ઉપાર્જન પણ બંધ થયું હતું. જે સામે ફરિયાદી –રમીલાબેને તબીબ સામે વળતરનો દાવો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લા કમિશને પણ ડો. દિનેશ ગજ્જરને ફરિયાદીને રુ. ૨ લાખ વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ આદેશ સામે ડો. ગજ્જર અપિલમાં આવ્યા હતા જેની સામે કમિશને રૂ. ૩ લાખ વળતર ચુકવવાનો હુકમ કર્યો છે.