તબીબોની હડતાળના લીધે રક્ષાબંધન પહેલાં બહેને એકનો એક ભાઇ ગુમાવ્યો
વડોદરા: વડોદરા સહિત રાજ્યભરમાં રેસીડન્ટ તબીબોની હડતાળના કારણે દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે. વડોદરામાં નવાયાર્ડમાં રહેતા ૧૯ વર્ષના રાહુલ જાદવ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં પરિવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ ગયો, પણ તબીબો હડતાળ પર હોવાથી રાહુલને યોગ્ય સારવાર ના મળતા તેને પોતાનો જીવ ગુમાવ્યો છે. રાહુલની બહેને રક્ષાબંધન પહેલા એકનો એક ભાઈ ગુમાવતા પરિવારના શોકનો માહોલ છે.
વડોદરાના નવાયાર્ડમાં આવેલ રમણીક ચાલમાં રહેતા ૧૯ વર્ષના યુવાન રાહુલ જાદવ અને તેનો મિત્ર દિવ્યાંગ પરમાર તેમના મિત્રને ચકકર આવતા હોવાથી રાત્રે બાઈક પર બેસી દવા લેવા ગયા હતા. જ્યાં ફતેગંજ હિલ મેમોરિયલ સ્કૂલ પાસે રાહુલે બાઈકના સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ થઈને ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઇ હતી. જેમાં રાહુલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે તેના મિત્ર દિવ્યાંગ પરમારને સામાન્ય ઈજા પહોંચી હતી.
રાહુલનો અકસ્માત થતાં તેના પરિવારના સભ્યો સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબોએ રાહુલની હાલત ગંભીર હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું, જેથી પરિવારના સભ્યો રાહુલને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં રાહુલ જાદવની તબીબોએ ૮ કલાક સુધી સારવાર ન કરી. તબીબો હડતાળ પર હોવાથી સારવાર માટે કોઈ ડોકટર જ ના મળ્યા. ત્યારબાદ પરીવારને તબીબોએ રાહુલને અન્ય હોસ્પિટલમાં ખસેડવા કહ્યું, જેથી પરિવાર રાહુલને ફરીથી વડોદરા લઈ આવ્યું,
ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો. પણ માથામાંથી લોહી વધુ વહી ગયું હોવાથી રાહુલ જાદવનું મોત નિપજ્યું હતું.મૃતક રાહુલની પિતરાઈ બહેન વૈશાલી ચૌહાણ કહે છે કે તબીબોની હડતાળ હોવાના કારણે મારા ભાઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ના મળી. જેના કારણે તેનું મોત નિપજ્યું છે. તબીબોને વિનંતી છે કે તે માનવતાનો ધર્મ અપનાવે.જ્યારે મૃતક રાહુલના ફોઈ સોનલ સરોજ કહે છે કે પરિવારે ૧૯ વર્ષનો એકનો એક દીકરો ગુમાવ્યો છે. તબીબો અને સરકાર વચ્ચેના ઝઘડામાં દર્દીઓનો શું વાંક છે. તબીબોને ભગવાન માનવામાં આવે છે, તો તબીબોએ તેમનો ધર્મ નિભાવી ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવી જાેઈએ.
મૃતક રાહુલનો પિતરાઈ ભાઈ વિશાલ પરમાર કહે છે કે તબીબો હડતાળ પર હોવાથી રાહુલને સમયસર અને યોગ્ય સારવાર ના આપી જેથી તેનું મોત નિપજ્યું હતું. રાહુલ પરિવારમાં એકનો એક દીકરો હતો, તેની માતા પણ નથી. પિતા છે પણ કંઈ કમાવતા નથી. રાહુલ એકલો જ આખા ઘરનું ગુજરાન ચલાવતો હતો. પણ હવે ઘરનું ગુજરાન કોણ ચલાવશે તે પરિવાર માટે સૌથી મોટો સવાલ છે.
મહત્વની વાત છે કે રાહુલના મોતથી આખા પરિવારમાં શોકનો માહોલ છે. પરિવારના તમામ સભ્યો રડી રહ્યા છે. સાથે જ તબીબોને હડતાળ સમેટી લઈ ડોકટરનો ધર્મ નિભાવવાની વિનંતી કરે છે. મહત્વની વાત છે કે ડોકટરને ભગવાન માનવામાં આવે છે, પરંતુ આજ ડોકટર પોતાની માંગોને લઈ હડતાળ પર ઊતરતાં દર્દીઓ બેસહારા થયા છે. ત્યારે દર્દીઓનો સહારો કોણ બનશે તે સૌથી મોટો સવાલ છે