તમામ ખાડા માત્ર ચાર દિવસમાં પુરવા આદેશ
ભાજપના નેતાની ટવીટનો ફાયદો મનપાને પણ થયો : મ્યુનિ.કમીશ્નરે ઔડાના દબાણથી હળવા થવા ઈજનેર અધિકારીઓને દોડતા કરવામાં આવ્યા હોવાની ચર્ચા |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ઔડા વિસ્તારમાં રોડની દુર્દશા જાઈને વ્યથિત થયેલ ભાજપ ના એક ઉચ્ચ નેતાએ ટવીટ કરી હતી.
જેનો ફાયદો ઔડા વિસ્તારની સાથે સાથે મ્યુનિ. કોર્પોરેશનની હદમાં વસવાટ કરતા નાગરીકોને પણ થયો છે. મ્યુનિ. કમીશ્નરે ખરાબ રોડ-રસ્તા માટે જવાબદારીનો સ્વીકાર કર્યા છે. તેમજ ગણત્રીના દિવસોમાં જ તમામ ખાડા-ગાબડા પુરવા માટે ઈજનેર અધિકારીઓને ફરમાન કર્યું છે.
સ્માર્ટસીટી અમદાવાદ ચોમાસાની સીઝનમાં બદચુસ્ત થઈ જાય છે. દ્વિ-મોન્સુન એકશન પ્લાન અંતર્ગત તૈયાર કરવામાંઆવેલ તમામ નિયમોના પણ વેચાણ થાય છે. શહેરીજનોને ચોમાસાની સીઝન આર્થિક રીતે ખૂબ જ મોઘી પડે છે. પ્રજાના સેવાની કમાણીમાંથી તૈયાર કરવામાં આવેલ રોડ-રસ્તા નામશેષ થાય છે. તથા અંદાજે રૂ.પ૦૦ કરોડનો ધુમાડો થાય છે.
મ્યુનિ. કોર્પોરેશનમાં આ પ્રક્રિયા નિરંતર ચાલી રહી છે. તૂટેલા રોડની જવાબદારી શાસકો કે વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવતી ન હતી. પરંતુ ભાજપના નેતાની ટવીટ બાદ મનપાના ઈતિહાસમાં પ્રથમ વખત વહીવટીતંત્રના વડાએ બદસુસ્ત રોડની જવાબદારી નો સ્વીકાર કર્યો છે.
મ્યુનિ. કમીશ્નરના સદ્દર પ્રાયશ્ચિત પાછળ ઔડાની નિષ્ફળતા પણ મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે. મ્યુનિ. કમીશ્નર મનપાની સાથે સાથે ઔડા ના પણ સર્વેસવા છે. ભાજપના નેતાની ટવીટ બાદ સરકાર હરકતમાં આવી હતી તથા તૂટેલા રોડ-રસ્તા મામલે તાકીદે કામ કરવા ફરમાન કર્યા હતા. ઔડાની નિષ્ફળતા ના પગલે કમીશ્નર પર દબાણ આવ્યું હતું. તેથી વિસર્જનનો વિજયોત્સવની ઉજવણી કરવાની સાથે શહેરના તૂટેલા રોડની જવાબદારી સ્વીકાર કરી હતી. તથા ઔડાના દબાણથી હળવા થવા માટે મ્યુનિ. ઈજનેર ખાતાને દોડતા કરવા નિર્ણય કર્યો હતો.
મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ શુક્રવારે સ્ટેન્ડીંગ કમીટીની બેઠક પૂર્ણ થયા કમીશ્નરે તાકીદની મીટીંગ કરી બોલાવી હતી. જેમાં વોર્ડ કક્ષાના ઈજનેર કર્મચારીઓ ઝોનના ડેપ્યુટી તથા એડીશનલ ઈજનેર અધિકારીઓ સાથે મ્યુનિ. કમીશ્નરે અલગ-અલગ બેઠક કરી હતી. મ્યુનિ. કમીશ્નરે ઈજનેર ખાતાના કર્મચારીઓને માત્ર ચાર દિવસમાં જ તમામ ખાડા અને ગાબડા પુરવા માટે ફરમાન કર્યા છે.
રોડના ગાબડા પુરવા માટે કોલ્ડમીક્ષ ઉપલબ્ધ ન હોય તો રોડા, કપચી કે અન્યકોઈપણ મટીરીયલ નો ઉપયોગ કરવા છુટ આપી છે. આગામી ચાર દિવસ ઈજનેરો કર્મચારીઓને ૧૬ કલાક ફરજ પર હાજર રહેવા માટે કમીશ્નરે આદેશ કર્યા હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.