તમામ તહેવારોની ઉજવણી બંધ રાખવાનો રાજ્ય સરકારનો નિર્ણય
વડોદરા :ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ કે, રાજ્યમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે વિવિધ પદયાત્રી સંઘો, સેવાકીય સંઘો દ્વારા હાલના સંજોગોમાં લોકમેળા, પદયાત્રાઓ, શોભાયાત્રાઓ, વિસર્જન સરઘસો ઇત્યાદિ મુલતવી રાખવા રજૂઆતો મળી હતી. રાજ્ય સરકારને કોરોનાનું સંક્રમણ અટકાવવા અને મહામૂલી માનવ જિંદગીઓ બચાવવા આ જરૂરી જણાય છે.
તેના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમા ઉજવવામાં આવનાર જન્માષ્ટમી, અંબાજી ભાદરવી પૂનમનો મેળો, ગણપતિ ઉત્સવ, તાજિયા ઝૂલૂસ, સંવત્સરી, તરણેતરનો મેળો, શ્રાવણ માસમાં યોજાતા વિવિધ મેળાઓ તથા અન્ય તહેવારો નિમિત્તે યોજાતી શોભાયાત્રા-પદયાત્રાની જાહેર ઉજવણી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ અંગે રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. વડોદરા ખાતે માધ્યમકર્મીઓ સાથે સંવાદ કરતા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ જાહેરાત કરી હતી.
ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ગણેશ મહોત્સવ દરમિયાન શ્રીજીની નાની મૂર્તિનુ પોતાના ઘરે સ્થાપન કરી, ઘરે જ વિસર્જન કરવા તેમણે નાગરિકોને અપીલ કરી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, કોરોના સંક્રમણને અટકાવવા નાગરિકોના હિતને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર પણ માને છે કે, કોરોના સંક્રમણની ચેઈન તોડવા અને મહામૂલી માનવ જિંદગી બચાવી જરૂરી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
અમદાવાદની શ્રેય હોસ્પિટલ દુર્ઘટના અંગે દુઃખની લાગણી વ્યક્ત કરતા ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, આ ઘટનાની તપાસ માટે મુખ્યમંત્રીશ્રીએ જરૂરી આદેશો આપ્યા છે એટલું જ નહિ પોલીસ તંત્ર દ્વારા પણ આ ઘટનાની ત્રુટિઓ અંગેની તપાસ કરવામા આવી રહી છે. જેમા ક્ષતિ જણાશે તો કસૂરવારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામા આવશે.
ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના સક્ષમ નેતૃત્વમાં રાજ્યમા કોરોના સંક્રમણને અટકાવવા જરૂરી તમામ પ્રયાસોને પરિણામે રાજ્યમાં રીકવરી રેટ ૭૫ ટકા સુધી લઈ જવામાં તથા મૃત્યુઆંક ઘટાડવામાં સફળતા મળી છે. એટલું જ નહિ કોરોના સંક્રમિતોને તાત્કાલિક તબીબી સારવાર મળે તે માટેનું સુદ્રઢ આયોજન જિલ્લા પ્રશાસનોને સાથે રાખીને કરવામાં આવ્યું છે.
ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની સરકારે આજે ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમા પ્રવેશ કર્યો છે તેમ જણાવતા ઉમેર્યુ કે, ચાર વર્ષના કાર્યકાળમા સરકારે વિકાસ પ્રક્રિયાના ઝડપી અને ફટાફટ નિર્ણય કરીને ગુજરાત ઓન ફાસ્ટટ્રેક ઉપર લઈ જઈ ગુજરાતના વિકાસને આગળ લઈ જવામાં જે યોગદાન આપ્યુ છે તે બદલ અભિનંદન આપ્યા હતા.