તમામ નાગરિકો માટે શુદ્ધ પીવાના પાણીની પુરતી જોગવાઈ સરકારની પ્રાથમિકતા છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/Jal.jpg)
બધા ગ્રામીણ પરિવારો માટે 2024 સુધીમાં ‘દરેક ઘરે પાણી’ (પાઈપ દ્વારા પાણીની સગવડ) સુનિશ્ચિત કરવા માટે ‘જલ જીવન મિશન’ -નવું “જળ શક્તિ મંત્રાલય” રાજ્ય સરકારોની સાથે મળી સંકલિત અને સર્વગ્રાહી જળ સંસાધનો અને પાણી પુરવઠાનું વ્યવસ્થાપન કરશે
નવી દિલ્હી, કેન્દ્રીય નાણાં તેમજ કૉર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં 2019-20 માટેનું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરતી વખતે જણાવ્યું કે ભારતમાં જળ સુરક્ષાની ખાતરી અને તમામ નાગરિકોને સ્વચ્છ અને પુરતુ પીવાનું પાણી પૂરું પાડવું એ સરકારની પ્રાથમિકતા છે.
શ્રીમતી સીતારમણે કહ્યું કે જળ સંસાધન, નદી વિકાસ તેમજ ગંગા સંરક્ષણ મંત્રાલય અને પેયજળ તથા સ્વચ્છતા મંત્રાલયને પરસ્પર જોડીને જળ શક્તિ મંત્રાલય બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. આ નવું મંત્રાલય એક સંકલિત અને સમગ્ર રીતે આપણા જળ સંસાધનોની વ્યવસ્થા અને જળ પુરવઠાનું સંચાલન કરશે. સાથે જ જીવન મિશન અંતર્ગત 2024 સુધી દરેક ગ્રામીણ પરિવારો માટે ‘દરેક ઘરે પાણી’ (પાઈપ દ્વારા પાણીની સગવડ)ની સુનિશ્ચિતતા માટે રાજ્યો સાથે મળીને કાર્ય કરશે.
પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ આ મિશનમાં વરસાદી પાણીનો સંગ્રહ, ભૂગર્ભ જળ રિચાર્જ અને ઘરમાં ઉપયોગમાં લીધેલ પાણીના કૃષિમાં ઉપયોગ માટે સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ સહિત, સ્થાનિક સ્તરે જળની માંગ અને પૂરવઠા સાથે જોડાયેલ વ્યવસ્થા પર ભાર આપશે. દેશભરમાં ટકાઉ પાણી પુરવઠાની વ્યવસ્થાના લક્ષ્યને પૂર્ણ કરવા માટે જળ જીવન મિશનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય યોજનાઓનો પણ સમાવેશ કરવામાં આવશે.
નાણાં મંત્રીએ જણાવ્યું કે સરકારે ‘જળ શક્તિ અભિયાન’ માટે 256 જિલ્લાઓના એવા 1592 બ્લોકની ઓળખ કરી છે, જ્યાં પાણીની કટોકટી છે. તેમણે જણાવ્યું કે આ હેતુ માટે ભંડોળ વિવિધ યોજનાઓ હેઠળ ઉપલબ્ધ નાણાંનો ઉપયોગ કરવા ઉપરાંત, સરકાર ‘પૂરક વનસંવર્ધન ફંડ મેનેજમેન્ટ તેમજ યોજના ઑથોરિટી (CAMPA) હેઠળ ઉપલબ્ધ વધારાના ભંડોળનો ઉપયોગ કરવાની સંભાવનાઓ પણ વિચારશે.