તમામ પરીક્ષા આપી છતાં બે વિષયમાં ગેરહાજર દર્શાવાયો

પ્રતિકાત્મક
કોરોનાની મહામારી વચ્ચે થયેલા પેપર ચેકિંગ સામે પણ સવાલઃ આવા તો કેટલા છબરડાં થયા હોવાની આશંકા
અમદાવાદ, તાજેતરમાં જ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ખુશખુશાલ જાવા મળ્યા. પરંતુ અમદાવાદના એક વિદ્યાર્થી માટે આ પરિણામ ખુશી લઈને ન આવ્યું. પરંતુ તેના પરિણામે તેના પરિવારની ચિંતા વધારી દીધી છે. તમામ ૭ વિષયની પરીક્ષા આપનાર વિદ્યાર્થીને ૨ પેપરમાં ગેરહાજર બતાવવામાં આવ્યો છે.
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં શિક્ષણ બોર્ડની ઘોર બેદરકારી સામે આવી છે. ૭ વિષયની પરીક્ષા આપનારા વિદ્યાર્થીને ૨ પેપરમાં ગેરહાજર બતાવાયો છે. અમદાવાદના ભાર્ગવ ત્રિવેદી નામના વિદ્યાર્થીએ તમામ સાત વિષયોના પેપરમાં હાજરી આપીને પેપર આપ્યા હતા. પરંતુ ભાર્ગવને આંકડાશાસ્ત્ર અને નામના મૂળ તત્વોના પેપરમાં ગેરહાજર બતાવાયો છે. ભાર્ગવ ત્રિવેદીએ તમામ વિષયની પરીક્ષા આપી હતી. આ અંગે ભાર્ગવના પરીક્ષાના પ્રવેશ પત્રમાં નોંધ પણ કરવામાં આવી છે. તેમજ સુપરવાઈઝરે પરીક્ષા પ્રવેશ પત્રમાં સહી પણ કરી છે, છતાં પરિણામમાં ભાર્ગવને આંકડાશાસ્ત્ર અને નામાના મૂળતત્વોમાં ગેરહાજર બતાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીએ પરીક્ષા આપી હોવા છતાં પરિણામમાં ગેરહાજર બતાવવામાં આવતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે થયેલા પેપર ચેકિંગ સામે પણ સવાલ થાય છે કે હાજર વિદ્યાર્થીના પરિણામમાં જા તેને ગેરહાજર બતાવાયો હોય તો પેપર ચેકિંગ કેવી રીતે કરાયું હશે. એક તરફ જ્યારે પરિણામની ટકાવારી ઊંચી લઈ જવાનો શિક્ષણ વિભાગ પ્રયાસ કરે છે ત્યારે બીજી તરફ હાજર અને પરીક્ષા આનાર વિદ્યાર્થીને ગેરહાજર દર્શાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી પોતે પરીક્ષામાં હાજર હોવાનો પુરાવો પણ રજૂ કરે છે, હાલ આ તપાસનો વિષય બન્યો છે કે આ પ્રકારની ગંભીર બેદરકારી કેવી રીતે થઈ શકે.