‘તમારા પિતાને અકસ્માત થયો છે’ કહી ગઠિયો બાળકો પાસેથી રૂપિયા સેરવી ગયો
બાળકોએ ઘરમાંથી રૂ.૮૦,૦૦૦ ગઠિયાને આપ્યા હતા, જાેકે ગઠિયો રૂ.૩ર,૦૦૦ પરત આપી ૪૮,૦૦૦ લઈ ગયો
અમદાવાદ, શહેરના સાબરમતી વિસ્તારમાં તમારા પિતાને અકસ્માત થયો છે, દવા માટે ઘરમાં જે પૈસા છે તે લઈ લો. કહી ગઠિયો બાળકો પાસેથી ૪૮,૦૦૦ લઈ રફુચકકર થઈ ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. દીકરીએ જયારે તેના પિતાને ફોન કર્યો ત્યારે સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.
સાબરમતીમાં આવેલ પંજાબી ચાલીમાં રહેતા પ્રવીણભાઈ પરમારે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રવીણભાઈ કાલુપુર પુજા પ્લાસ્ટિકની દુકાનમાં નોકરી કરે છે. પ્રવીણભાઈ પત્ની અને ત્રણ બાળકો સાથે રહે છે. ગઈકાલે સવારે પ્રવીણભાઈ રાબેતા મુજબ નોકરી પર ગયા હતા અને તેમના પત્ની પણ તેમના કામ પર ગયા હતા. ત્યારબાદ સાંજના સમયે તેમની દીકરીએ ફોન કરીને કહ્યું કે પપ્પા તમને એક્સિડન્ટ થયો છે? જેથી પિતાએ દીકરીને ના પાડી હતી.
તેમની દીકરીએ તેના પિતાને કહ્યું કે અમે ત્રણેય ભાઈ બહેન ઘરે હાજર હતા ત્યારે એક અજાણ્યો શખ્સ ઘરે આવ્યો હતો અજાણ્યા શખ્સે કહ્યું કે તમારા પિતાને એક્સિડન્ટ થયો છે જેથી તેમની દવા લેવા સારું ઘરમાં પડેલ પૈસા લઈ લો આમ કહેતાં, અંક્તિાના ભાઈ રાહુલે તિજાેરીમાંથી ૮૦,૦૦૦ રૂપિયા અજાણ્યા શખ્સના હાથમાં આપી દીધા હતા.
અજાણ્યા શખ્સે ૮૦,૦૦૦ રૂપિયામાંથી ૩ર,૦૦૦ રૂપિયા પરત આપી દીધા હતા અને ૪૮,૦૦૦ રૂપિયા લઈ લીધા હતા ત્યારબાદ રાહુલ અને તેના પાડોશી યુવકને લઈને અજાણ્યો શખ્સ સાબરમતી ટોલનાકા લઈ ગયો હતો જયાં રાહુલને દૂરથી એક બિલ્ડિંગ બતાવીને કહ્યું કે તું અહીં તારી માતાને લઈ આવ આમ કહીને અજાણ્યા શખ્સે રાહુલ અને યુવકને રિક્ષામાં બેસાડી દીધા હતા.
ત્યારબાદ રાહુલ ઘરે આવતા તેની બહેને પૂછયું કે પપ્પા તને મળ્યા કે નહીં જેથી રાહુલે ના પાડી હતી. ત્યાર બાદ દીકરીએ આ વાતની જાણ પિતા પ્રવીણભાઈને કરતાં તરત તેમના પિતા ઘરે આવી ગયા હતા.
પ્રવીણભાઈને કોઈપણ પ્રકારનો અકસ્માત થયો ન હતો, પરંતુ તે ગઠિયાએ વિશ્વાસમાં લઈ તેમના બાળકો સાથે ઠગાઈ કરતા તેમણે સાબરમતી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ગઠિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (એન.આર.)