તમિલનાડુના દંપતીએ ૩૭ લાખ કોરોના ફંડમાં આપ્યા
તિરુપ્પુર: લગ્નપ્રસંગોમાં ધામધૂમ કરવી અને લાખો-કરોડો ખર્ચી કાઢવા તો જાણે હવે સામાન્ય બાબત બની ગઈ છે. કોરોનાકાળમાં આમ જાેવા જઈએ તો લગ્નપ્રસંગોની સંખ્યામાં ઘટાડો જાેવા મળ્યો છે, પરંતુ અવારનવાર એવા સમાચાર સામે આવતા જ હતા કે લોકોએ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરીને વધારે મહેમાનોને બોલાવ્યા હોય, પ્લેન બુક કરીને લગ્ન કર્યા હોય, આખી જાનને કોરોના થઈ ગયો હોય, વગેરે વગેરે. એવા પણ લગ્ન જાેવા મળ્યા જ્યાં વરરાજા સાઈકલ અથવા બાઈક પર એકલો જ જાન લઈને જતો રહે અને પત્નીને લઈને આવે. આવા સમાચારો વચ્ચે એક ઘણાં સારા અને પ્રેરણાદાયી સમાચાર પણ સામે આવ્યા છે.
એક કપલે લગ્નનો ખર્ચો ઓછો કરીને પૈસા બચાવ્યા અને તે પૈસા કોરોના રિલીફ ફંડમાં ડોનેટ કરી દીધા. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ કપલ તમિલનાડુના તિરુપ્પુરનું છે. પહેલા અનુ અને અરુલના લગ્નનું બજેટ ૫૦ લાખ રુપિયા હતું, પરંતુ તેમણે બજેટ ઘટાડી દીધું. તેમણે ૧૪ જૂનના રોજ પોતાના લગ્નમાં ૧૩ લાખ રુપિયા ખર્ચ કર્યા. આ સિવાય બાકીના જે ૩૭ લાખ રુપિયા બચ્યા તે કોરોના રાહત ફંડ્સમાં ડોનેટ કરવામાં આવ્યા. તેમણે અનેક સરકારી અને બિનસરકારી સંગઠનોમાં આ રકમ દાન કરી.
અરુણનો ફેમિલી બિઝનેસ છે અને તે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ વેચે છે. તેમણે જણાવ્યું કે ઘણાં મહેમાન કોરોનાને કારણે લગ્નમાં હાજર નહોતા રહી શક્યા. વેડિંગ હૉલ વાળાએ પણ ભાડાના પૈસા પાછા આપી દીધા. ઘરના વડીલોએ નક્કી કર્યું કે લગ્ન તે જ તારીખે કરવામાં આવશે. તો પછી આખરે તેમણે મંદિરમાં લગ્ન કર્યા. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અનુ અને અરુણે લગ્નમાં ખર્ચ થનારા પૈસા દેશના નામે કરી દીધા. તેમણે લોકોને પણ અપીલ કરી કે, જાે તમે સમર્થ હોવ તો જરુરતમંદોની મદદ ચોક્કસપણે કરવી જાેઈએ.