તમિલનાડુમાં એક વ્યક્તિ યુટ્યુબ પર જોઈને પત્નીની ડિલીવરી કરતા નવજાતનું મૃત્યું

ચેન્નઈ, તમિલનાડુમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુટ્યુબ કે ગૂગલ અડવાઈસથી બધું જ હાથવગું છે એવું ઘણાં લોકો માને છે. આમ તો મોટાભાગે લોકો યૂટ્યુબ જાેઈને જમવાનું બનાવે છે કે પછી બીજું કંઈક કામ કરે છે. પરંતુ તમિલનાડુમાં એક પતિએ જે કર્યું તેનાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વ્યક્તિએ યૂટ્યુબ વીડિયો જાેઈને પત્નીની ડિલીવરી કરવાનું નક્કી કર્યું. તેના આમ કરવાથી નવજાત બાળકનું મૃત્યુ થઈ ગયું. જ્યારે તેની પત્ની ગંભીર રીતે બીમાર થઈ ગઈ છે. તેને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી છે.
આ ઘટના તમિલનાડુના રાનીપેટની છે. અહીં ૩૨ વર્ષના લોગાનાથન નામના વ્યક્તિએ એક વર્ષ પહેલા જ ગોમતી નામની ૨૮ વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્નના થોડા સમય બાદ જ ગોમતી ગર્ભવતી થઈ હતી. ડોક્ટરોએ તેને ડિલીવરીની ડેટ ૧૩ ડિસેમ્બર આપી હતી, પરંતુ ૧૩ ડિસેમ્બર પસાર થઈ ગઈ અને ૧૮ ડિસેમ્બરે તેને લેબર પેઈન થયું.
જ્યારે તેને લેબર પેઈન થયું ત્યારે તેના પતિએ તેને હોસ્પિટલમાં દાખલ કરવાની જગ્યાએ તેને ઘરે જ રાખી. પતિ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે યૂટ્યુબ જાેઈને તેની ડિલીવરી કરવાની શરૂઆત કરી દીધી. તે માટે તેણે પોતાની બહેન ગીતાની મદદ પણ લીધી. પરંતુ જ્યારે બાળક જન્મ્યો ત્યારે તેની પત્ની બેહોશ થઈ ચૂકી હતી અને બાળક પણ જીવતો ન હતો.
ગોમતીના શરીરમાંથી ઘણુ લોહી વહી ચૂક્યું હતું. તેના પછી ઉતાવળમાં તેને પુન્નાઈ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ જવામાં આવી. ત્યાંથી તેને વેલ્લોરના સરકારી હોસ્પિટલમાં રેફર કરવામાં આવી. ત્યાં હાલ તેની હાલત ગંભીર છે.નવજાત બાળકના મૃત્યુ બાદ પુન્નાઈના પ્રાથમિક સ્વાસ્થ્ય ઓફિસરે ગોમતિના પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ ચોંકાવનારી ઘટના હાલ ચર્ચામાં છે અને લોકો આ સાંભળીને એ માણસની ટીકા કરી રહ્યા છે.HS