તમિલનાડુમાં કોરોના રસી મૂકાવનારાને સોનાના સિક્કા, સ્કૂટી જેવી મોંઘીદાટ ભેટ
ચેન્નાઇ: તમિલનાડુમાં ચૂંટણી દરમિયાન ફ્રી ગિફ્ટની વહેંચણી પણ પ્રચાર અભિયાનોનો એક ભાગ રહી હતી. હવે વેક્સીનેશન ડ્રાઈવને ઝડપી બનાવવા માટે ફ્રી ગિફ્ટનો સહારો લેવામાં આવી રહ્યો છે.
કોવલમમાં એક એનજીઓ લોકોને ભાત ભાતની ગિફ્ટ વહેંચીને રસી લેવા પ્રોત્સાહિત કરી રહી છે. રસી મૂકાવવા બદલ એનજીઓ તરફથી એક પ્લેટ બિરયાની અને મોબાઈલ રિચાર્જની કૂપન આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત સાપ્તાહિક લકી ડ્રોમાં બંપર ઈનામ પણ જાહેર કરવામાં આવી રહ્યા છે. લકી ડ્રોના વિજેતા સોનાના સિક્કા, મિક્સર ગ્રાઈન્ડર, સ્કૂટી, વોશિંગ મશિન સુધીના ઈનામો જીતી શકે છે. અત્રે જણાવવાનું કે માછીમારીની બહુમતીવાળા કોવલમમાં ૧૪,૩૦૦ની વસ્તી છે. જેમાં ૧૮ વર્ષથી ઉપરના ૬૪૦૦ લોકો છે. સંસ્થાનું કહેવું છે કે તેમની આ યોજના લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.
વાત જાણે એમ છે કે કોરોના સંક્રમણ બાદ વિસ્તારમાં ગોકળગાય ગતિથી રસીકરણનું કામ ચાલુ હતું. શરૂઆતમાં અહીંના કેન્દ્રો પર ૫૦-૬૦ લોકો જ રસી લેવા પહોંચતા હતા. પરંતુ એનજીઓ દ્વારા શરૂ કરાયેલી આ નવી પહેલના કારણે કેન્દ્રો પર ભીડ લાગવાની શરૂ થઈ ગઈ. એક અઠવાડિયામાં જ ૬૫૦થી વધુ લોકો પહેલો ડોઝ લઈ ચૂક્યા છે.
આ સાથે જ ૭૦૦થી વધુ લોકોનું એડવાન્સ બુકિંગ થઈ ગયુ છે. ગ્રામીણોનું કહેવું છે કે રસીને લઈને અમે અસમંજસની સ્થિતિમાં હતા. પરંતુ એનજીઓએ રસી અંગે ફેલાયેલા ભ્રમ દૂર કરીને લોકોને પ્રોત્સાહિત કર્યા છે. હવે અમે સમગ્ર પરિવાર સાથે રસી લેવા જઈ રહ્યા છીએ.
કોવલમને કોરોના મુક્ત બનાવવાની આ પહેલા એટીએસ ફાઉન્ડેશન, સીએન રામદાસ ટ્રસ્ટ અને ન્યૂયોર્કની સંસ્થા ચિરાગની છે. સીએન રામદાસ ટ્રસ્ટમાં ડોન બોસ્કો શાળાના ૧૯૯૨ની બેન્ચના પૂર્વ વિદ્યાર્થી છે અને ન્યૂયોર્કમાં ચેપી રોગ વિશેષજ્ઞ ડોક્ટર રાજીવ ફર્નાન્ડોએ ચિરાગ સંસ્થાની સ્થાપના કરી છે.