તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા ૬ લોકોના મોત
ચેન્નાઇ: તમિલનાડુમાં વિરુદ્ધનગરની એક ફટાકડાની ફેક્ટરીમાં ગુરુવારે આગ લાગવાથી ૬ લોકોના મોત નિપજ્યા છે. આ ઘટનામાં ૫ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિરુદ્ધનગરના જાેઈન્ટ ડિરેક્ટર ઓફ હેલ્થ સર્વિસિસે ઘટનાની પૃષ્ટી કરી છે. આ જગ્યા શિવકાશી પાસે છે અને ત્યાં ફટાકડા બનાવવામાં આવતા હતા. ૧૨ ફેબ્રુઆરીના રોજ આ જગ્યાએ સર્જાયેલી ઘટનામાં ૧૯ લોકોના મોત થયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ફટાકડા બનાવતા યુનિટમાં ગુરુવારે સાંજે આગ લાગી હતી. ફાયર બ્રિગેડે ત્યાં પહોંચીને આગ પર નિયંત્રણ મેળવ્યું હતું,
પણ આગમાં દાઝી ગયેલા લોકો એક પછી એક જીવ ગુમાવતા ગયા. વિરુદ્ધનગરમાં આ મહિને જ આ પ્રકારની એક ઘટના સર્જાઈ હતી.તમિલનાડુના વિરુદ્ધનગરમાં ૧૨ ફેબ્રુઆરીના રોજ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ઘટનામાં ૧૯ લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે કેમિકલ મિક્સ કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી.
ફટાકડા માટે અનેક કેમિકલનું મિશ્રણ કરી તૈયાર કરતી વખતે ભભૂકી ઉઠેલી આગ એટલી ઝડપથી ફેલાઈ કે ગણતરીની સેકન્ડમાં સમગ્ર ફેક્ટરી બળીને ખાક થઈ ગઈ હતી. આ સ્થિતિમાં ૨૫ કરતા વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.