તમિલનાડુ: ખેડૂતોને રસ્તા પર ટામેટા ફેંકવાની ફરજ પડી

ચેન્નઈ, તમિલનાડુના પલાકોડ, મરંડાહલ્લી, અરુર અને પપ્પીરેટ્ટીપટ્ટીના ખેડૂતોએ મહેનત અને પરિવહનનો ખર્ચ કરવામાં અસમર્થ ટામેટાને સડવા અથવા રસ્તા પર ફેંકવાનો નિર્ણય કર્યો છે. ત્રણ મહિના પહેલા ટામેટાની કિંમત 100 રૂપિયાથી 150 રૂપિયા સુધી પહોંચ્યા દરમિયાન મોટા પ્રમાણમાં ટામેટાની ખેતી કરવામાં આવી હતી, પરંતુ ખેડૂતોને નિરાશા હાથ લાગી, કેમ કે તેની કિંમત હવે માત્ર બે થી આઠ રુપિયા જ થઈ ગઈ છે.
ટામેટાને તોડવા માટે ખેડૂતોને એક મજૂરને ઓછામાં ઓછા 400 રૂપિયાની ચૂકવણી કરવી પડે છે અને પછી તેમને બજાર સુધી લઈ જવુ પડે છે, જેનો અર્થ છે કે તેમને પોતાના ખિસ્સામાંથી મોટી કિંમત ચૂકવવી પડી રહી છે. વધારે નુકસાનથી બચવા માટે વિસ્તારના ખેડૂતોએ ટામેટાને સડવા દેવાનો નિર્ણય કર્યો છે.
મોટી સંખ્યામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ટામેટાને રસ્તા કિનારે ફેંકી દીધા, જે બાદ ત્યાં હાજર કે પસાર થઈ રહેલા ઢોર અને વાંદરાઓએ તેને ખાઈ લીધા. વિસ્તારના ખેડૂતોનુ કહેવુ છે કે જો સરકાર ટામેટા વગેરેનુ લઘુતમ સમર્થન મૂલ્ય પ્રદાન કરે છે તો આ પ્રકારના નુકસાનથી બચાવી શકાય છે.
એક તરફ ટામેટાના ભાવ ઓછા થઈ રહ્યા છે તો બીજી તરફ લીંબુએ લોકોના દાંત ખાટ્ટા કરી દીધા છે. લીંબુના ભાવ આસમાને છે. ગુજરાતમાં હોલસેલમાં લીંબુ 180 રૂપિયા રિટેલમાં 220 થી 240 રૂપિયા કિલો સુધી વેચાઈ રહ્યા છે. એક લીંબુ કિંમત 10 થી 15 રૂપિયાની આસપાસ પડી રહી છે.
સામાન્ય દિવસોમાં એક કિલો લીંબુના ભાવ 40/50 રૂપિયા કિલો મળે છે. વેપારીઓનુ કહેવુ છે કે વધારે ડિમાન્ડ હોવાના કારણે રેટ વધી રહ્યા છે. ગરમી ઘણી વધારે છે અને લીંબુનો સપ્લાય ઓછો થઈ ગયો છે. આ પણ લીંબુના ભાવ વધવા પાછળ એક કારણ છે.