તમિળનાડુ : કોઇમ્બતુરમાં ૫ સ્થળો પર વ્યાપક દરોડા
ચેન્નાઇ : રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆઇએ) દ્વારા તમિળનાડુના કોઇમ્બતુર શહેરમાં આજે વહેલી સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. દરોડા દરમિયાન અનેક વાંધાજનક સામગ્રી કબજે કરવામાં આવી હોવાના હેવાલ મળ્યા છે.
પાંચથી વધુ સ્થળો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તમામ જગ્યાએ દરોડાની કાર્યવાહી દરમિયાન લેપટોપ, મોબાઇલ, સિમકાર્ડઅને પેન ડ્રાઇવનો જથ્થો મળી આવ્યો હતો. એનઆઇએ દ્વારા ક્યાં મામલાને લઇને દરોડા પાડ્યા છે
તે સંબંધમાં માહિતી મળી શકી નથી.હાલના દિવસોમાં જ એનાઇએ દ્વારા ઇસ્લામિક સ્ટેટના મોડ્યુલની શોધમાં કોઇમ્બતુર શહેરમાં સાત સ્થળો પર વ્યાપક દરોડા પાડ્યા હતા. જેમાં આઇએસના એક મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સાથે સાથે આઇએસ મોડ્યુલના એક લીડરની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ આઇએસ મોડ્યુલનો લીડર મોહમ્મદ અઝહરુદ્દીન નિકળ્યો હતો.
જે શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે થયેલા બોંબ બ્લાસ્ટમાં સામેલ રહેલા આરોપી જહરાન હાશિમથી ખુબ પ્રભાવિત હતો. એનઆઇએ દ્વારા આ સમગ્ર મામલામાં ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. સુત્રોના કહેવા મુજબ ત્રાસવાદી સંગઠન આઇએસના એક મોડ્યુલના લીડર અઝહરની શ્રીલંકામાં બોંબ બ્લાસ્ટના આરોપી હાશિમ સાથે સતત વાતચીત થતી હતી.
બંને ફેસબુક મારફતે સંપર્કમાં રહ્યા હતા. આ આઇએસ મોડ્યુલની શોધમાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. અજહરુદ્દીનને તેના આવાસ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો. ભારતીય સુરક્ષા સંસ્થાઓ આ બાબતની તપાસ કરી રહી છે કે કેરળમાં સ્થિત ઇસ્લામિક સ્ટેટના મોડ્યુલના શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટમાં કોઇ કનેક્શન છે કે કેમ. આને લઇને પણ તપાસ ચાલી રહી છે. જા કે નવી વિગત હજુ ખુલી શકે છે.