તમે દેશ માટે જે કર્યું તે હંમેશા બધાના દિલમાં રહેશેઃ કોહલી
નવી દિલ્હી, ક્રિકેટના કેપ્ટન કૂલ તરીકે જાણીતા મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે સ્વતંત્રતા દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેના થોડા સમય બાદ જ ધોનીના ખાસ મિત્ર અને તેના સાથી ખેલાડી સુરેશ રૈનાએ પણ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. ધોનીએ નિવૃત્તિ જાહેર કરી તેમાં આશ્ચર્ય વધારે ન હતું કેમ કે છેલ્લા ઘણા સમયથી તેની નિવૃત્તિની ચર્ચા ચાલી રહી હતી. ધોનીએ નિવૃત્તિ જાહેર કરી તે સાથે જ સોશિયલ મીડિયા પર ક્રિકેટપ્રેમીઓ તથા દિગ્ગજ હસ્તીઓએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ધોનીને ટિ્વટર પર શુભેચ્છાઓ પાઠવી હતી. તેણે કહ્યું છે કે, ભારતીય ક્રિકેટમાં તારું યોગદાન ઘણું જ અમૂલ્ય છે. ૨૦૧૧ના વર્લ્ડ કપને એક સાથે જીતવો મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણ રહી. તને અને તારા પરિવારને બીજી ઈનિંગ્સ માટે શુભેચ્છાઓ.
ધોનીએ લાખો લોકોને પોતાની ક્રિકેટ શૈલીથી મંત્રમુગ્ધ કર્યા છે. મને આશા છે કે તે આગામી સમયમાં પણ ભારતીય ક્રિકેટને મજબૂત બનાવવા માટે પોતાનું યોગદાન આપવાનું જારી રાખશે. તેને ભવિષ્ય માટે શુભેચ્છાઓ. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ લખ્યું છે કે પ્રત્યેક ક્રિકેટરને પોતાની કારકિર્દીનો અંત લાવવાનો હોય છે, પરંતુ જ્યારે કોઈ એવો ખેલાડી નિવૃત્તિ જાહેર કરે છે જેને તમે નજીકથી જાણતા હોવ છો તો તમે વધારે ભાવુક થઈ જાવ છો. તમે દેશ માટે જે કર્યું તે હંમેશા બધાના દિલમાં રહેશે. પરંતુ જે પરસ્પર સન્માન અને ઉત્સાહ તમારી પાસેથી મળ્યો તે હંમેશા યાદ રહેશે. દુનિયાએ તમારી સિદ્ધિઓ જોઈ છે, મેં વ્યક્તિને જોયો છે. જે બધુ તમારી પાસેથી મળ્યું તેના માટે થેન્કયુ કેપ્ટન. હું તમારું સન્માન કરું છું. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલીવાલે લખ્યું છે કે, તમારી યાદગાર યાત્રા માટે અભિનંદન એમએસ ધોની. ભવિષ્ય માટે શુભેચ્છાઓ.SSS