Pahalgam Terror Attack : તમે સુરક્ષા દળોનું મનોબળ તોડવા માંગો છો ? : સુપ્રીમ કોર્ટ

પહેલગામ હુમલા અંગેની અરજી ફગાવી, અરજદારોની ઝાટકણી કાઢી
સર્વાેચ્ચ અદાલતે અરજદારો ફતેશ કુમાર સાહુ અને અન્યોને પીઆઈએલ પાછી ખેંચી લેવાની તાકીદ કરી હતી
નવી દિલ્હી,
પહેલગામમાં ૨૨ એપ્રિલે થયેલા આતંકી હુમલાની ન્યાયિક તપાસની માગણી કરતી જાહેર હિતની અરજી (પીઆઇએલ)ને ફગાવી દઇને અરજદારને આકરી ઝાટકણી કાઢતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ નિર્ણાયક સમયમાં દેશના દરેક નાગરિકે આતંકવાદ સામે લડવા માટે હાથ મિલાવ્યા છે. શું તમે આ પ્રકારની પીઆઈએલ દાખલ કરીને સુરક્ષા દળોનું મનોબળ તોડવા માંગો છો. આ પ્રકારના મુદ્દાને ન્યાયિક ક્ષેત્રમાં ન લાવો.ન્યાયાધીશ સૂર્યકાંત અને એન. કોટિશ્વર સિંહની બનેલી ખંડપીઠે પહેલગામ હુમલાની તપાસ પર દેખરેખ રાખવા માટે નિવૃત્ત ન્યાયાધીશની માંગ કરવા બદલ અરજદારોની ટીકા કરતાં જણાવ્યું હતું કે નિવૃત્ત ન્યાયાધીશો નિષ્ણાત નથી.
સર્વાેચ્ચ અદાલતે અરજદારો ફતેશ કુમાર સાહુ અને અન્યોને પીઆઈએલ પાછી ખેંચી લેવાની તાકીદ કરી હતી. સર્વાેચ્ચ અદાલતે અરજદારોને આ મુદ્દાની સંવેદનશીલતાને સમજવા અને કોર્ટમાં એવી કોઈ અરજી ન કરવા તાકીદ કરી હતી, કે જે સુરક્ષા દળોનું મનોબળ ઘટાડે. ખંડપીઠે જણાવ્યું હતું કે તમે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશને તપાસ કરવાનું કહી રહ્યાં છો. તેઓ તપાસમાં નિષ્ણાત નથી, પણ તેઓ ફક્ત કોઈ મુદ્દાનો નિર્ણય લઈ શકે છે. અમને આદેશ આપવાનું ન કહો. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. વધુ સારું એ છે કે તમે અરજી પાછી ખેંચી લો. પીઆઈએલમાં પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રને આદેશ આપવાની માંગ કરાઈ હતી. ૨૨ એપ્રિલે ત્રાસવાદીઓએ અનંદનાથ જિલ્લાના પહેલગામમાં ૨૬ પ્રવાસીઓને હત્યા કરી હતી. તેનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી સર્જાઈ છે.ss1