તરણેતર મેળામાં ભવ્ય પ્રદર્શન સાથે લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરાશે
કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન સાથે વિવિધ અભિયાનો અંગે લોક જાગરૂતતા ફેલાવવાનો પ્રયાસ
સુરેન્દ્રનગર, ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયને આધિન ગુજરાત પ્રદેશના પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય દ્વારા આગામી વર્ષ દરમિયાન ગુજરાતના વિવિધ મેળાઓમાં કુલ 33 જેટલા ઇન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન આઉટરીચ પ્રોગ્રામ (લોક સંપર્ક કાર્યક્રમ)નું આયોજન થવા જઇ રહ્યું છે.
પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય અમદાવાદની અખબારી યાદીમાં આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે નાણાંકીય વર્ષ 2019-20 દરમિયાન સમગ્ર ગુજરાતમાં યોજાતા વિવિધ લોકમેળાઓમાં લઘુ, મધ્યમ અને મોટા પ્રકારના આઇસીઓપી (લોક સંપર્ક કાર્યક્રમ)નું આયોજન કરવામા આવનાર છે. જેમાંનો એક કાર્યક્રમ સુરેન્દ્રનગરના તરણેતર ખાતે યોજાતા પ્રસિદ્ધ લોકમેળામાં 01 થી 04 સપ્ટેમ્બર સુધી યોજાઇ રહ્યો છે.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અંગે સાચી અને સચોટ માહિતી સાથે આવશ્યક માર્ગદર્શન છેવાડાના માનવી સુધી પહોંચે તે છે. સાથે સરકારના વિવિધ અભિયાન જેવા કે ફિટ ઈન્ડિયા અભિયાન, સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, પોષણ અભિયાન, જલ સંરક્ષણ અભિયાનમાં લોક જાગરુતતા લાવવાનો પણ ઉદ્દેશ્ય રહેશે. જેમાટે વિશાળ પ્રદર્શન સાથે સાસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ સ્પર્ધાઓનું આયોજન, પત્રિકા વિતરણ તેમજ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના સ્ટોલ્સ એ આ કાર્યક્રમનાં મુખ્ય આકર્ષણ રહેશે. તરણેતર ખાતેના મેળામાં સ્પષ્ટ ઇરાદા નિર્ણાયક પગલાં થીમ સાથે મોદી 2.0 સરકારના 75 દિવસની કાર્ય સિદ્ધિ પર મલ્ટી મીડિયા પ્રદર્શન યોજાશે. જિલ્લા વહીવટી તંત્ર તેમજ તરણેતર ગ્રામ પંચાયતના સહયોગ સાથે આ કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે.