Western Times News

Gujarati News

તરણેતર લોકમેળામાં ભારત સરકારની અનોખી પહેલ

 યોજનાઓની માહિતી સાથે અભિયાનો અંગે લોક જાગૃતતા ફેલાવવા સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન.

કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી બાવળિયાના હસ્તે કરાયું ઉદઘાટન વિશેષ લોક સંપર્ક કાર્યક્રમ જાણકારી સાથે ફેલાવાશે જાગરુતતાના સંદેશ

તરણેતર,  ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલયઅમદાવાદ દ્વારા તરણેતરના લોકમેળામાં પ્રદર્શન સાથે લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્દઘાટન રાજ્ચના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું. સૂચના અને પ્રસારણ મંત્રાલયના રિજનલ આઉટરીચ બ્યુરો, ગુજરાત પ્રદેશના અપર મહાનિદેશક ડૉ. ધીરજ કાકડિયા, રિજનલ આઉટરીચ બ્યુરોના નાયબ નિયામક નવસંગ પરમાર, અધિક નિવાસી કલેક્ટર એન. ડી. ઝાલા, જિલ્લા વિકાસ અઘિકારી રાજેશ રાજ્યગુરુ, પ્રાંત અધિકારી ચોટીલા તથા થાનગઢ આર. બી. અંગારી અને આશિષ મિયાત્રા તેમજ જિલ્લાના અન્ય પ્રશાસનિક અધિકારીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, તરણેતર ગામના સરપંચ તેમજ જિલ્લાના અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કેબિનેટ મંત્રી શ્રીએ દિપ પ્રાગટ્ય કરી આ લોકસંપર્ક કાર્યક્રમને લોકો સમક્ષ ખુલ્લો મુક્યો હતો.

રિજનલ આઉટરીચ બ્યુરોના નાયબ નિયામક નવસંગ પરમારે મહેમાનોના સ્વાગત સાથે કાર્યક્રમના હેતુને સ્પષ્ટ  કરતા જણાવ્યું કે આ જન કલ્યાણકારી યોજનાઓ વિશે છેવાડાના માનવી સુધી સચોટ માહિતિ સાથે માર્ગદર્શન પહોંચે તે માટે તરણેતરના ભાતીગળ મેળામાં કેન્દ્ર સરકારના આ વિભાગ દ્વારા પ્રથમ વખત આવું આયોજન કરવામાં આવ્યું છે.

રિજનલ આઉટરીચ બ્યુરો, ગુજરાત પ્રદેશના અપર મહાનિદેશક ડૉ. ધીરજ કાકડિયાએ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે જન-જન સુધી જાણકારી પહોંચે એ જ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે. સાથે સરકારના વિવિધ અભિયાનો જેવા કે સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન, પોષણ અભિયાન, જળ સંરક્ષણ અભિયાનમાં લોક જાગરુતતા લાવવાનો પણ ઉદ્દેશ્ય રહેશે. જેના માટે વિશાળ પ્રદર્શન સાથે સાસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ સ્પર્ધાઓનું આયોજન, પત્રિકા વિતરણ તેમજ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના સ્ટોલ્સ એ આ કાર્યક્રમનાં મુખ્ય આકર્ષણો રહેશે.

કેબિનેટ મંત્રીશ્રી કુંવરજી બાવળિયાએ પાંચાળ પ્રદેશના તરણેતરના આ લોકસાંસ્કૃતિક મેળામાં પ્રથમ વખત આયોજિત લોકસંપર્ક કાર્યક્રમને બીરદાવતાં તેમના વક્તવ્યમાં જણાવ્યું કે લોકો માટે બનતી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તે જરુરી છે અને એ માટે આવા આયોજન મહત્વના સાબિત થાય છે. કેન્દ્ર સરકારના જળ સંરક્ષણ અભિયાનની વાત કરતાં જણાવ્યું કે રાજ્યમાં ઘરે-ઘરે નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચે તે માટેની વ્યવસ્થા શરુ થઇ ગઇ છે અને હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઘરે-ઘરે નળ હશે પીવાનું શુદ્ધ પાણી હશે. જળ સંરક્ષણ એક અભિયાન છે અને સરકાર આ અભિયાનને વેગવંતુ બનાવી પાણીની સમસ્યાને નિર્મુલ કરવા કટિબદ્ધ છે. ત્યારે સરકારના દરેક અભિયાનમાં લોકોને પણ સહકાર સાથે જોડાઇ જવાની અપીલ કરી હતી.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તરણેતરની આગવી ઓળખ સમી ભરત ભરેલી છત્રી તેમજ કોટીથી માનનીય કેબિનેટ મંત્રીશ્રીનું અભિવાદન કરાયું હતું. તેમજ આ કાર્યક્રમમાં જિલ્લા સંકલિત બાળ વિકાસ કચેરી દ્વારા આજથી શરુ થતાં પોષણ માહની ઉજવણીનું પણ મંત્રીશ્રી દ્વારા ઉદઘાટન કરવાની સાથે આંગણવાડી કાર્યકર્તા બહેનોને મંત્રીશ્રીના હસ્તે સ્માર્ટ ફોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉદઘાટન કાર્યક્રમના અંતે પોષણ અભિયાનમાં જોડાઇ કુપોષણ દૂર કરી સ્વસ્થ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે ઉપસ્થિત મહાનુભાવો સહિત સૌ કોઇએ પોષણના શપથ લીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.