તરતા આવડતું ન હોવા છતાં સ્વિમિંગમાં જતાં કિશોરનું મોત
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! -રાજકોટમાં મૃતક મૌર્ય ધોરણ ૭માં અભ્યાસ કરતો હતો તેમજ તેના માતા-પિતાને તે એકમાત્ર સંતાન હતો
રાજકોટ, રાજકોટમાં ફરી એક વખત માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. તરતા આવડતું ન હોવા છતાં પોતાના પુત્રને સ્વિમિંગ પુલમાં ન્હાવા મોકલનારા માતા-પિતાએ પોતાનો ૧૩ વર્ષનો માસૂમ પુત્ર કાયમી માટે ખોવાનો વારો આવ્યો છે. થોડા મહિનાઓ પૂર્વે રાજકોટ જામનગર હાઈવે ઉપર આવેલા ક્લબમાં ન્હાવા પડેલ યુવક ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું.
ત્યારે ફરી એક વખત આ જ પ્રકારનો બનાવ રાજકોટના ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારના રોજ સ્વિમિંગ પુલની મજા માણવા માટે વિઠલાણી પરિવાર લોધિકાના દેવડા ગામે આવેલ એમ્બ્રાલ્ડ ક્લબ ખાતે ગયું હતું.
સ્ટર્લીંગ હોસ્પિટલ ની પાછળ આવેલા રાધિકા પાર્કમાં રહેતા દિનેશભાઈ વિઠલાણી પોતાની પત્ની અને ૧૩ વર્ષના પુત્ર મૌર્ય તેમજ મિત્ર ચંદ્રેશભાઇ તન્નાના પરિવાર સાથે એમ્બ્રાલડ કલબ ખાતે ગયા હતા. ત્યારે તેર વર્ષનો માસૂમ પુત્ર મૌર્ય તેમજ મિત્ર ચંદ્રેશ ભાઈના બંને પુત્રો સ્વિમિંગ પુલમાં ન્હાવા માટે ગયા હતા.
આ સમયે બાળકોને તરતા આવડતું ન હોવાના કારણે તેઓ ટ્યુબના સહારે ન્હાવાની મજા માણી રહ્યા હતા. જાેકે આકસ્મિક રીતે મૂલ્યના હાથમાંથી ટ્યુબની પકડ છુટી જતા તે પાણીમાં ડૂબી ગયો હતો. સમગ્ર બનાવની જાણ થતા મૌર્યને બેભાન હાલતમાં પાણીમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
સમગ્ર મામલાની જાણ લોધીકા પોલીસને થતા લોધિકા પોલીસ દ્વારા બનાવ અંગે એડી દાખલ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મૌર્ય ધોરણ ૭માં અભ્યાસ કરતો હતો તેમજ તેના માતા-પિતાને તે એકમાત્ર સંતાન હતો. મૌર્યના પિતા નિકેશભાઇ વિઠલાણી જયરાજ ધંધાદારી છે. આમ, એકના એક માસૂમ પુત્રના મોતના કારણે વિઠલાણી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.