તરુણ તેજપાલની સામે ગોવા સરકારની હાઈકોર્ટમાં અપીલ
તપાસ દરમિયાન ગોવા પોલીસે પૂરાવાઓ નષ્ટ કર્યા હતા અને યોગ્ય સાક્ષીઓ રજૂ કર્યા નહોતા કર્યા હોવાની રજૂઆત
નવી દિલ્હી, બહુચર્ચિત પત્રકાર તરુણ તેજપાલને મહિલા પત્રકારના કથિત યૌન શોષણ માટે ગોવાની નીચલી કોર્ટે નિર્દોષ છોડી મુક્યા હતા. સાથે સાથે નીચલી કોર્ટે પોલીસની તપાસને પણ શંકાના કઠેડામાં મુકી હતી. કોર્ટે તરુણ તેજપાલને શંકાનો લાભ આપીને છોડી મુકતા કહ્યુ હતુ કે, તપાસ દરમિયાન ગોવા પોલીસે પૂરાવાઓ નષ્ટ કર્યા હતા અને યોગ્ય સાક્ષીઓ રજૂ કર્યા નહોતા.
દરમિયાન નીચલી કોર્ટના ચુકાદા સામે હવે ગોવા સરકારે મહિલા પત્રકારને ન્યાય અપાવવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી છે.જ્યારે તરુણ તેજપાલને નીચલી કોર્ટે છોડી મુક્યા હતા ત્યારે કોર્ટે ટિપ્પણી કરી હતી કે, ગોવા પોલીસે તપાસ દરમિયાન ફાઈવ સ્ટાર હોટલના પહેલા ફ્લોર પરના સીસીટીવી ફૂટેજ નષ્ટ કરી દીધા હતા. જે એક મહત્વનો પૂરાવો હતો. નિષ્પક્ષ તપાસ કોઈ પણ આરોપીનો મૌલિક અધિકાર છે.
દરમિયાન કોર્ટે પોતાના ચુકાદામાં આગળ કહ્યુ હતુ કે, તપાસ અધિકારીએ ગ્રાઉન્ડ, ફ્લોર, બીજા ફ્લોરના સીસીટીવી ફૂટેજ ભેગા કર્યા હતા. જાેકે પહેલા ફ્લોરના ફૂટેજ કોર્ટમાં રજૂ કરાયા નહોતા. જે તપાસમાં મહત્વની ચૂક હતી. તપાસ અધિકારીએ સીસીટીવી ફૂટેજ સાથે પીડિતાના નિવેદનની સરખામણી પણ નહોતી કરી. જે આ તપાસમાં સૌથી નિષ્પક્ષ પૂરાવો હોત.
અદાલતે કહ્યુ હતુ કે, તપાસ અધિકારીની જવાબદારી બને છે કે, તે નિષ્પક્ષ તપાસ કરે અને સત્યને સામે લાવે.
કોર્ટે આગળ કહ્યુ હતુ કે, કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા પૂરાવો પર વિચાર કર્યા બાદ આરોપી તરુણ તેજપાલને શંકાનો લાભ આપવામાં આવે છે. કારણકે ફરિયાદ પક્ષ દ્વારા લગાવાયેલા આરોપોનુ સમર્થન કરવા માટે કોઈ પૂરાવો નથી.
તપાસ અધિકારીએ એ રુમને પણ સીલ નહોતો કર્યો જ્યાં સીસીટીવી ફૂટેજનુ રેકોર્ડિંગ રાખવામાં આવતુ હોય છે.
ઉલ્લેખનીય છે કે, તેજપાલ પર ૭ નવેમ્બર,૨૦૧૩ના રોજ ગોવાની ફાઈવ સ્ટાર હોટલમાં લિફ્ટમાં પિડિતા સાથે કથિત રીતે દુષ્કર્મ કરવાનો અને ૮ નવેમ્બરે ફરી છેડછાડનો આરોપ મુકવામાં આવ્યો હતો. એ પછી પોલીસ દ્વારા તેજપાલ સામે કેસ કરવામાં આવ્યો હતો.