તલાટી ગુલ્લેબાજ હોવાના આક્ષેપ સાથે રહીશોએ “તલાટી ખોવાયેલા છે” લખાણ લખી કચેરીના દરવાજા પર લગાવ્યા
ગોધરા, કાલોલ તાલુકાના ચલાલી ગ્રામ પંચાયતના તલાટી ગુલ્લેબાજ હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશોએ તલાટી છેલ્લા ચાર માસથી ખોવાયેલા છે તે પ્રકારના લેબલ લખાણ લખી પંચાયત કચેરીના દરવાજા પર લગાડવામાં આવતા પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી ની પોલ ખુલ્લી પડી હતી અને જે બાબત ના ફોટા જાગૃત લોકો ધ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા .
પંચમહાલ જીલ્લાના અંતરીયાળ વિસ્તારમાં આવેલી કેટલીક ગ્રામ પંચાયત ની કચેરીઓ એવી છે કે જે નિયમિત ખુલતી નથી જેના કારણે સ્થાનિક લોકોના કામો ટલ્લે ચઢતા હોય છે અને ગુલ્લેબાજ તલાટીઓને લીલા લહેર થઈ જતી હોય છે એટલા માટે કે ત્યાં કોઈ પુછનાર હોતું નથી
જેમાં સરપંચ અને તલાટીની બન્નેની રાજ રમત હોવાથી સ્થાનિક લોકોને હાલાકી ભોગવવા નો વારો આવતો હોય છે કાલોલ તાલુકા નું ચલાલી ગામ જયાં સ્થાનિકો નો આક્ષેપ છેકે અમારી પંચાયત ના તલાટી છેલ્લા ચાર માસથી ફરજ પર આવતા નથી અને ભ્રષ્ટાચાર ને દબાવવા નો પ્રયાસ થઈ રહ્યો છે.
કોઈ ગ્રામ સભા પણ કરવામાં આવતી નથી જેને લઈ સ્થાનિકો એ રોષે ભરાઈ ને પંચાયત કચેરીના દરવાજે તલાટી ચાર માસથી ખોવાયેલા હોવાના લેબલ લગાડવામાં આવતા સમગ્ર મામલો બહાર આવ્યો છે અને પંચાયત ના ફોટા સોશિયલ મીડિયા માં વાયરલ કરવાની સાથે તંત્ર નું ધ્યાન દોરવા માટેના પ્રયાસો કર્યા છે જેને લઈ ગુલ્લેબાજ તલાટીઓ માં ભારે ફફડાટ ફેલાયો છે.
વિકાસ વિકાસ ની વાતો વચ્ચે પંચાયત ની કચેરીઓ પણ જો રાબેતા મુજબ ખુલતી ન હોય અને તલાટી પોતાની ફરજ પર ના આવતા હોય તો આ બાબતે તંત્ર દ્વારા કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે. (તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા)