Western Times News

Gujarati News

તલાલા માર્કેટિંગ યાર્ડમાં પહેલા જ દિવસે ૧૦ કિલોના ૩૭૪૦ બોક્સની આવક

(એજન્સી) તાલાલા, તાલાલા પંથકનું સુપ્રસિદ્ધ અમૃતફળ કેસર કેરીની સીઝનનો માર્કેટીંગ યાર્ડમાં શુભારંભ થયો છે, પ્રથમ દિવસે દશ કિ.ગ્રા.ના ૩૭૪૦ બોક્સની આવક થઈ હતી.

તાલાલા માર્કેટીંગ યાર્ડમાં પ્રથમ દિવસે વેંચાણ માટે આવેલ કેરીના બોક્સ પૈકી સૌથી સારી ક્વોલિટીની કેરીના બોક્સનું રૂ.૧૪૫૦માં વેંચાણ થયું હતું, નબળી કેરી રૂ.૭૭૦ સાથે સરેરાશ એક બોકસનો ભાવ રૂ.૯૦૦ રહ્યો હતો, ગત વર્ષે યાર્ડમાં પ્રથમ દિવસે ૫૬૦૦ બોકસ આવ્યા હતા,સારી કેરી એક બોકસનુ ૭૫૦માં વેંચાણ થયું હતું,

જ્યારે નબળી કેરી રૂ.૩૦૦ સાથે સરેરાશ ભાવ ૪૫૦ રહ્યા હતા, જેની સામે આ વર્ષે કેરીના ભાવમાં જબરા ઉછાળા સાથે વિક્રમજનક ભાવમાં વેંચાણ થતાં કેસર કેરીના ઉત્પાદક કિસાનોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. તાલાલા પંથકમાં વિપરીત વાતાવરણે કેરીના પાકને અકલ્પનીય નુક્સાન કર્યું હોય,આ વર્ષે કેસર કેરીનો પાક જુજ પ્રમાણમાં હોય,કેસર કેરીના ભાવમાં આવેલ જબરો ઉછાળો જળવાઈ રહેવાનું જાણકારો જણાવે છે.

તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષે તા.૫મી મે થી કેરીની હરરાજી શરૂ થઈ હતી અને ૩૫ દિવસ સિઝન ચાલી હતી,આ દરમ્યાન દશ કિ.ગ્રા.ના ૫ લાખ ૮૫ હજાર બોક્સની આવક થઈ હતી, તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની સીઝનનો શુભારંભ થતાની સાથે જ શહેરમાં ઠેરઠેર કેસર કેરીના જથ્થાબંધ વેપારીઓ, કમીશન એજન્ટોએ કેરીનું કામકાજ શરૂ કરતાં માર્કેટિંગ યાર્ડ ઉપરાંત તાલાલા શહેર ધમધમતા થઈ ગયા છે,તાલાલા માર્કેટીંગ યાર્ડમાં પ્રથમ દિવસે કેરીના ઉંચા ભાવો મળતાં ખેડૂતોમાં ખુશી જાેવા મળે છે.

તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની સીઝનના શુભારંભ પ્રસંગે અલગ અલગ ચાર વેપારી ભાઈઓ પ્રથમ બોક્સ ગૌમાતાના લાભાર્થે વેંચાણ કર્યું હતું. જે પૈકી ભોલેબાબામાં પ્રથમ બોક્સ રૂ.૧૬ હજાર, ભાગ્યોદય માં રૂ.૧૧ હજાર,કિશન મેંગો માં રૂ.૯૦૦૦ અને રામદુતમાં રૂ.૫૫૫૫માં વેંચાણ થયું હતું,આ ચારેય બોક્સની આવેલ રકમ ગૌ માતાને અર્પણ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.