Western Times News

Gujarati News

તલોદની નમસ્કાર સહકારી મંડળીને ડુબાડનારાઓ પોલીસ પકડથી દૂર

કરોડોનું ધિરાણ લઈને પરત ન કરનાર ચેરમેન નવ વર્ષથી ફરારઃ એક કસ્ટડીમાં

તલોદ, તલોદની નમસ્કાર મંડળીમાં ડીરેક્ટર તથા વાઈસ ચેરમેન જેવા મુખ્ય હોદ્દા પર રહી પોતાના પરિવારના સભ્યોના નામે ધિરાણ મેળવી પરત ન કરતાં નમસ્કાર મંડળીમાં હાલ વહીવટદાર પ્રથા અમલમાં છે. નમસ્કાર મંડળીએ નવ વર્ષ પહેલાં થયેલા ફોજદારી ફરિયાદમાં આ વાઈસ ચેરમેન તથા તેના પરિવાર વિરૂદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરેલ હતી.

જેમાં કોર્ટમાં યેનકેન પ્રકારે મુદ્દતો મેળવી સમય વિતાવતાં કોર્ટે કડક વલણ અખત્યાર કર્યું હતું. જેમાં નમસ્કાર મંડળીનું ફુલેકુ ફેરવનાર અને મુખ્ય સૂત્રધાર વિરુદ્ધ કોર્ટે ધરપકડ વોરંટ ઈસ્યૂ કરતાં આ સૂત્રધાર હાલમાં પોલીસથી બચવા ફરાર થઇ ગયેલ છે. તેમજ તેનો નાનો ભાઈ પણ કસ્ટડીમાં છે.

નમસ્કાર મંડળીમાં જે તે સમયે ડિરેક્ટર તથા વાઈસ ચેરમેન પદે રહી જુદી જુદી પેઢીઓ બનાવી અને તે નામે અને વ્યક્તિગત નામે મહેશ રસિકલાલે કરોડોનું ધિરાણ મેળવી સમય મર્યાદામાં પરત ના કરી અનેક થાપણકારોની થાપણો આ કારણે અટવાઈ પડી છે.

જેમાં હાલ નમસ્કારની નબળી આર્થિક સ્થિતિને કારણે વહીવટદાર પ્રથા પણ અમલમાં બની ગઈ છે. આજથી નવ વર્ષ પહેલાં નમસ્કાર મંડળીનું ફુલેકુ ફેરવનાર મહેશ રસિકલાલ મહેતા તથા તેના પરિવાર વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જે ફોજદારી કેસ તલોદની નામદાર કોર્ટમાં હાલ ઝડપથી ચાલવા ઉપર આવતાં આ આરોપીઓ દ્વારા સમય વિતાવવા જુદી જુદી અરજીઓ તલોદ કોર્ટ આગળ રજુ કરતા હતા. તલોદ કોર્ટે કેસની ગંભીરતાને ધ્યાને લઈ કડક વલણ અપનાવી આ અરજીઓ ના મંજુર કરી અને મહેશ મહેતા વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કરેલ છે.

જ્યારે તેનો નાનો ભાઈ કમલેશ મહેતાને કસ્ટડીમાં મુકી દેવામાં આવ્યો છે. આ મંડળીના ગરીબ અને નાના થાપણદારોની મુડી ઓળવી જનાર મુખ્ય સૂત્રધારને કોર્ટ તરફથી કડકમાં કડક સજા થાય તેવી લાગણી ઉભી થઈ છે. દરમ્યાન ધરપકડના ડરથી આ મહેશ મહેતા ફરાર થઈ ગયેલ હોવાનું જાણવા મળે છે.

થાપણદારોમાં હાલ નામદાર કોર્ટ આવા રીઢા આરોપીઓ વિરૂદ્ધ અપનાવેલા ન્યાયિક પગલાંથી થાપણદારોમાં ન્યાય મળવાની આશા ઉભી થયેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.