તલોદરા ગામે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ વિદ્યાર્થીઓ માટે ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે ઝઘડિયા જીઆઈડીસી સ્થિત યુપીએલ-૫ કંપની દ્વારા તાલુકાના તલોદરા ગામે સરકારી પ્રાથમિક શાળા ખાતે ભારત સ્વચ્છતા અભિયાન અંતર્ગત શાળામાં સારી ગુણવત્તા અને પર્યાવરણને અનુકૂળ સૌચાલય બનાવી વિદ્યાર્થીઓમાં સહીત સમાજમાં આરોગ્ય અને સ્વચ્છતાના વર્તન ની સુવિધા આપવા માટે શાળા સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે.
આ બાબતે કંપનીના એચઆર હેડ રજનીશ ભારદ્વાજે સ્વચ્છતાને ઈશ્વર ભક્તિ સમાન ગણાવી હતી અને સ્વચ્છતા અને વ્યક્તિગત સ્વચ્છતા એ દરેક વ્યક્તિના જીવનનો અભિન્ન ભાગ છે તેમ જણાવ્યું હતું.તલોદરા ગામના સરપંચ વિઠ્ઠલભાઈ વસાવાએ વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ માટે પ્રેરિત થાય અને શિક્ષણને વધુ પ્રોત્સાહન મળે તે બાબતની સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.
તલોદરા પ્રાથમિક શાળા ખાતે સ્વચ્છતા બ્લોક નું ઉદઘાટન અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.આ ઉપરાંત યુપીએલ કંપની દ્વારા તેની સીએસઆર એક્ટિવિટી હેઠળ અત્યાર સુધીમાં ૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સેનીટેશન બ્લોક સુવિધા મળે તેવી કામગીરી કરી છે.
આ પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે યુપીએલ કંપનીના અનિલ મુંદડા દ્વારા સ્વચ્છતા અને સ્વચ્છતાની શું જરૂરિયાત છે તે વિશે માર્ગદર્શન આપી તેના પર ભાર મૂક્યો હતો.રાજ્યની શાળાઓમાં અત્યાર સુધી યુપીએલ કંપની દ્વારા ૫૭ ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું.*