તળાજાઃ સરતાનપરના યુવકને ઈયર ફોન રૂ.એક લાખમાં પડ્યા
બેંકનો ખાતા નંબર આપ્યો પણ ઓટીપી આપ્યો ન હોવા છતાં ખાતામાંથી નાણાં ઉપડી ગયા
તળાજા, તળાજા પાસેના સરતાનપર (બંદર)ના આસામીને ઈયર ફોન રૂ.એક લાખમાં પડ્યા હતા. તેણે બેંકના ખાતા નંબર આપ્યા હતા. પણ ઓટીપી આપ્યો ન હતો. આમ છતાં તેના ખાતામાંથી રૂ.એક લાખ જેવી રકમ ઉપડી ગઈ હતી.
સરતાનપર ગામે રહેતા તુલશીભાઈ જેરામભાઈ ચૌહાણ તા.રરના રોજ ફિલપકાર્ડમાંથી ઓનલાઈન ઈયર ફોન મંગાવ્યા હતા. ઈયર ફોનની ડિલિવરી આપવા આવનારને રોકડ નાણાં આપ્યા હતા. ઈયર ફોનમાં ખામી હોવાથી પરત આપવા માટે કંપનીમાં ફોન કર્યો હતો.
બાદમાં તેના પર ફોન આવ્યો હતો અને વસ્તુ ન જાેઈતી હોય તો તમારા બેંક એકાઉન્ટના નંબર આપો, જેથી અમો નાણાં તમારા ખાતામાં નાખી દઈએ તેવું જણાવાયું હતું, આથી તુલશીભાઈએ તેના એસીબીઆઈ બેંકના ખાતાના નંબર આપ્યા હતાં પણ ઓટીપી આપ્યો ન હતો. આમ છતાં થોડીવારમાં વારાફરતી તેના ખાતામાંથી કટકે કટકે રૂ.૯૯,૯૮૧ ઉપડી ગયા હતા.
આ અંગેની જાણ થતાં તુલશીભાઈ બેંકે પહોચી ગયા હતા અને બેંકના અધિકારીને તેના ખાતામાંથી નાણાં ઉપડી રહ્યાની જાણ કરી હતી તેમના જણાવ્યા પ્રમાણે તેના મોબાઈલ ફોન પર ઓટીપી નંબર આવ્યા હતા તે નંબર આપ્યા ન હોવા છતા નાણાં ઉપડી ગયા હતા. આ અંગે તુલશીભાઈ ચૌહાણે સાયબર સેલ પોલીસમાં અરજી કરી હતી.