તળાજામાં સગીરાએ જ ૧૮૧ ટીમને ફોન કરી પોતાના બાળ લગ્ન અટકાવ્યા

પ્રતિકાત્મક
તળાજા, તળાજાના ગોરખી દરવાજા રોડ પર યોજાઈ રહેલા બાળ લગ્નને ૧૮૧ અને બાળ લગ્ન પ્રતીબબંધ અધિકારીએ પોલીસની મદદ લઈને અટકાવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે દુલ્હન અને દુલ્હા બંને કાયદા મુજબ નિકાહની ઉંમરના ન હતા. બંને પક્ષનું નિવેદન લેવામાં આવ્યું હતું.
તળાજામાં ચકચાર મચાવતા બનાવની ૧૮૧ ની ટીમ પાસેથી મળતી વિગતો મુજબ સવારે ૧૮૧ ને તળાજાની એક સગીરાનો ફોન આવ્યો હતો. આ સગીરાને ઈચ્છા નહોતી કે પોતાના બાળ લગ્ન થાય. આથી ૧૮૧ ની ટીમને ફોન કરતા ટીમ તળાજા ખાતે દોડી આવી હતી.
૧૮૧ ના પોલીસ નિશાબા વાળાએ માહીતી આપતા જણાવ્યું હતું કે સગીરા દુલ્હનનો જ કોલ આવ્યો હોય તપાસ અર્થે દોડી આવ્યા હતા. તળાજા પોલીસની મદદ લઈને તપાસ હાથ ધરી હતી. નિકાહ સ્થળ ગોરખી દરવાજા રોડ પર આવેલ સમાજની જગ્યા હોય ત્યાં તપાસ કરતા સગીરા દુલ્હન મળી આવી નહોતી. તે બ્યુટી પાર્લરમાં ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.
તપાસમાં જે છોકરીના નિકાહ હતા તેની ઉંમર માત્ર પંદર વર્ષ એક માસ હતી. જયારે અમદાવાદથી નિકાહ કરવા આવેલ દુલ્હા પણ ર૦ જ વર્ષનો હોય કાયદાની દ્રષ્ટિએ બંને નિકાહ કરવાની ઉંમર ધરાવતા ન હતા.
આથી બંને પક્ષના વ્યકિતઓ વિરૂધ્ધ ફોજદારી રાહે ગુન્હો નોધવાના બદલે બાળ લગ્ન પ્રતીબંધક અધિકારી દ્વારા અમને લગ્ન કરવા માટે કઈ ઉંમર હોવી જોઈએ તેનો ખ્યાલ ન હોય તેવું નિવેદન નોધાયો હતું. આ નિકાહ થતા અટકાવ્યા હતા. વરરાજા પક્ષ બોટાદના લાખીયાણીના મુળ રહેવાસી છે. તેઓ હાલ અમદાવાદ રહેતા હોય ત્યાંથી જાન લઈને તળાજા આવ્યા હતા.
આ કામગીરીમાં ૧૮૧ ના નિશાબા ગોહીલ કોમલબેન પરમાર પાયલોટ પ્રદીપભાઈ પરમાર તળાજા પોલીસ અને બાળલગ્ન પ્રતીબંધક અિંધકારી જોડાયા હતા.