Western Times News

Gujarati News

તળાવો ઉંડા કરી 2900 લાખ ધનફૂટ પાણીની સંગ્રહશક્તિ વધારાશે

અમદાવાદ જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ અંતર્ગત છેલ્લાં ૪ વર્ષમાં ૧,૩૦૯ કામો થયાં – અંદાજિત ૧ લાખ માનવદિન રોજગારી ઊભી થઇ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યમાં વહી જતા વરસાદી પાણીના તથા ભૂગર્ભ જળના જળ સંચય માટે ૧૭ ફેબ્રુઆરીથી ૩૧ મે – ૨૦૨૩ સુધી ‘સુજલામ સુફલામ્ જળ અભિયાન’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. અમદાવાદ જિલ્લામાં પણ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ‘સુજલામ સુફલામ્ જળ અભિયાન’નો શુભારંભ થઇ ચૂક્યો છે.

અમદાવાદ જિલ્લામાં આ વર્ષે – ૨૦૨૩માં ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ અંતર્ગત ૬૬૫ જેટલા કામો આયોજનમાં લેવામાં આવ્યાં છે. આ કામોથી ૨૯૦૦ લાખ ધનફૂટ પાણીની સંગ્રહ શક્તિ વધશે તેવો અંદાજ છે.

જનભાગીદારી થકી યોજાયેલા આ અભિયાનમાં છેલ્લાં ૪ વર્ષમાં રાજ્યભરમાં જળસંગ્રહ માટેનાં અનેક કામો પૂર્ણ થયાં છે. ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ અંતર્ગત વર્ષ ૨૦૧૯થી ૨૦૨૨ દરમિયાન અમદાવાદ જિલ્લાએ પણ અનેક સિદ્ધિઓઓ હાંસલ કરી છે.

અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો છેલ્લાં ૪ વર્ષમાં ‘સુજલામ સુફલામ્ જળ અભિયાન’ થકી વર્ષ ૨૦૧૯માં ૨૩૭, વર્ષ ૨૦૨૦માં ૧૬૩, વર્ષ ૨૦૨૧માં ૪૧૫, વર્ષ ૨૦૨૨માં ૪૯૪ આમ કુલ ૧,૩૦૯ જેટલાં કામો અત્યાર સુધીમાં સંપન્ન કરવામાં આવ્યાં છે.

અમદાવાદ જિલ્લામાં ઊંડા કરવામાં આવેલાં તળાવો અને નવાં તળાવોની વાત કરવામાં આવે તો, વર્ષ ૨૦૧૯માં ૨૭, વર્ષ ૨૦૨૦માં ૩૯, વર્ષ ૨૦૨૧માં ૪૪, વર્ષ ૨૦૨૨માં ૧૦૧ આમ કુલ ૨૧૧ જેટલાં કામો સંપન્ન થયાં છે.

સંગ્રહ શક્તિ( લાખ ઘન ફૂટ)માં થયેલા વધારાની વાત કરીએ તો, વર્ષ ૨૦૧૯માં ૩૮૩.૮, વર્ષ ૨૦૨૦માં ૨૨૨.૫, વર્ષ ૨૦૨૧માં ૨૫૪.૭, વર્ષ ૨૦૨૨માં ૬૯૯.૨, આમ કુલ ૧૧૬૮ લાખ ઘનફૂટ જળસંગ્રહ શક્તિનો વધારો થયો છે. જ્યારે નહેરો તથા કાંસની સાફ સફાઇની વાત કરીએ તો વર્ષ ૨૦૧૯માં ૭૨, વર્ષ ૨૦૨૦માં ૨, વર્ષ ૨૦૨૧માં ૧૧૨, વર્ષ ૨૦૨૨માં ૨૩, આમ કુલ ૨૦૯ જેટલાં કામો સંપન્ન થયાં છે.

આ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ઉત્પન્ન થયેલા માનવદિન સંખ્યાની વાત કરીએ તો, વર્ષ ૨૦૧૯માં ૮,૯૯૧, વર્ષ ૨૦૨૦માં ૧૬,૬૨૮, વર્ષ ૨૦૨૧માં ૧૮,૩૨૫, વર્ષ ૨૦૨૨માં ૫૨,૬૫૮, આમ કુલ ૯૬,૬૦૨થી વધુ માનવદિનની સંખ્યા થઇ છે.

અમદાવાદ જિલ્લામાં આ યોજના અંતર્ગત જળસંગ્રહનાં કામો જેમ કે તળાવો ઊંડા કરવાં, હયાત ચેકડેમોનું ડિસિલ્ટિંગ, હયાત જળાશયોનું ડિસિલ્ટિંગ, શહેરોમાંથી પસાર થતી નદીઓમાં થતું પ્રદૂષણ અટકાવવાની કામગીરી તેમજ નદીઓના કાંઠાઓ ઉપર વૃક્ષારોપણનો સમાવેશ થાય છે.

આ સાથો-સાથ નદીઓના પ્રવાહને અવરોધ રૂપ બાવળ, ઝાડી-ઝાંખરા દૂર કરવા, ટેરેસવન-તલાવડી, નદીને પુન: જીવિત કરવી, શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની પાઇપ લાઇનોમાં વાલ્વમાંથી થતા પાણીનો બગાડ રોકવો, ડિસિલ્ટિંગની કામગીરી, પીવાના પાણીનો બગાડ રોકવા માટે જન જાગૃતિનાં કામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદ જિલ્લામાં તમામ તળાવો ઊંડાં કરવાની કામગીરી ૧૦૦ ટકા લોક ભાગીદારી દ્વારા કરવામાં આવે છે. ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ની કામગીરી કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીના સમયમાં પણ વર્ષ ૨૦૨૦ તથા ૨૦૨૧માં અમદાવાદ જિલ્લામાં સુચારું રીતે તમામ વિભાગોના સાથ સહકાર સાથે પૂર્ણ કરવામાં આવી હતી.

ચાલું વર્ષ દરમ્યાન ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ અંતર્ગત તળાવો ઊંડાં કરવા ઉપરાંત છેવાડાના વિસ્તારો અથવા એવા વિસ્તાર કે જે નહેરના કમાન્ડ વિસ્તારમાં આવતા નથી તેવા ગામોમાં ચેક્ડેમ રીપેરિંગની કામગીરી, ચેકડેમ ઊંડા કરવાની કામગીરી તથા અન્ય કામો જેમ કે કાંસ ઊંડી કરવી,

કનેક્ટીંગ ચેનલ બનાવવી વગેરે જેવાં કામોની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામો પૂર્ણ થવાથી સિંચાઈ ઉપરાંત વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકશે અને જમીનમાં રહેલા ક્ષારની માત્રા ઓછી થવાથી માટીની ફળદ્રુપતામાં વધારો થશે.

આમ, ‘જળ છે તો જીવન છે’ તે જ રીતે જળ છે તો જ વિકાસ પણ છે! પાણી એ કોઈ પણ રાષ્ટ્ર – સમાજના સર્વાંગી વિકાસ માટે પાયાની જરૂરિયાત છે. આ સત્યને જ કેન્દ્ર સ્થાને રાખીને જ ગુજરાત સરકારે રાજ્યના તમામ ખૂણે ખૂણે સિંચાઈ અને પીવાનું પાણી પહોંચાડવા અનેકવિધ પાણી-સિંચાઈ યોજનાઓ અમલમાં મૂકી – કાર્યાન્વિત કરી છે.

જેના પરિણામ સ્વરૂપે ગુજરાત આજે કૃષિ-પશુપાલન, રોજગારી, ઉધોગ, વિદેશી રોકાણ તેમજ પ્રવાસન સહિતના ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રિમ રાજ્યોની હરોળમાં પ્રસ્થાપિત થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.