તળાવ પાસે સેલ્ફી લેવાં જતાં યુવતી લપસી, યુવક ડૂબ્યો
ભાવનગર, ભાવનગરના સિંહોરના ગૌતમેશ્વર તળાવમાં એક યુવક અને યુવતીના ડૂબી જવાની શોકિંગ ઘટના બની છે. ગૌતમેશ્વર તળાવ પાસે સેલ્ફી લેવા જતા યુવતીનો પગ લપસ્યો હતો. તેના બાદ યુવતીને બચાવવા જતા યુવક પણ તળાવામાં ડૂબ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ યુવતીના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરની એમ.જે. કોલેજમાં અભ્યાસ કરતાં યુવક-યુવતીઓ આજે સિહોર નવનાથનાં દર્શન સાથે ગૌતમેશ્વર તળાવકાંઠે ફરવા ગયાં હતાં. ભાવનગરના વલભીપુરની યુવતી નિયતિ ભટ્ટ પણ આ ગ્રૂપ સાથે સિંહોર ફરવા માટે આવી હતી ત્યારે સેલ્ફી લેતા સમયે ૧૯ વર્ષીય નિયતિ ભટ્ટનો પગ લપસ્યો હતો. યુવતીનો પગ લપસી જતા તે તળાવના પાણીમાં ગરકાવ થઈ હતી. નિયતિને ડૂબતા સિંહોરનો જ રહેવાસી ૨૦ વર્ષીય જગદીશ મકવાણા ત્યાં દોડી આવ્યો હતો.
જગદીશે ડૂબી રહેલી યુવતીને બચાવવા તળાવમાં છલાંગ લગાવી હતી. પરંતુ યુવતી પાછળ છલાંગ લગાવનાર યુવાન પણ પાણીમાં ગરકાવ થયો હતો.
આ જાેઇ સાથે આવેલાં અન્ય યુવક-યુવતીઓએ મદદ માટે બૂમાબૂમ કરી હતી. બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા.
આ ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા પાણીમાં ગુમ થયેલા યુવક અને યુવતીની શોધખોળ હાથ ધરાઈ હતી. જેમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે યુવતીના મૃતદેહને પીએમ માટે સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ, યુવકના મૃતદેહને શોધવાની કામગીરી હજી ચાલુ છે.SSS