તળેલું તેલ, દૂધ, પાણી તેમજ અન્ય ખાદ્યચીજોની ચકાસણી સેફ્ટી વાનમાં થશે
જિલ્લાના નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ
‘ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ ‘ અભિગમ હેઠળ જિલ્લામાં ‘ ફૂડ ટેસ્ટિંગ મોબાઈલ લેબોરેટરી વાન’ નું જિલ્લા કલેક્ટરશ્રી સંદીપ સાગલે દ્વારા લોકાર્પણ
કેન્દ્ર સરકારની ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત રાજ્ય સરકારને એક ફૂડ સેફ્ટી વાન ફાળવવામાં આવેલ છે.
જેથી સેફ્ટી વાનમાં ખાદ્ય ચીજવસ્તુઓ જેવી કે તળેલું તેલ, દૂધ, પેકિંગમાં મળતા પીવાનું પાણી, જ્યૂસ, શરબત તેમજ અન્ય ખાદ્યચીજોની ચકાસણી કરાશે.
નાગરિકોને અશુદ્ધ અને ભેળસેળવાળો ખાદ્ય પદાર્થ ન લેવો પડે તે માટે આ મોબાઇલ વાન વિવિધ તાલુકાઓમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ફેરવવામાં આવશે અને નાગરિકોને ખાદ્ય પદાર્થોનું ટેસ્ટિંગ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
આ ઉપરાંત બજારમાં પણ આ વાન દ્વારા ખાદ્ય ચીજો નું પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવશે અને જો ખાદ્યનો નમુનો ભેળસેળયુક્ત પુરવાર થશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ અન્વયે નમૂનાઓ લઈને તેની સામે કાયદાકીય રીતે કડક પગલાં લેવાશે.
કેન્દ્ર સરકારના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અગાઉ આવી ૪ વાન ગુજરાતને ફાળવવામાં આવી હતી. જેમાં અદ્યતન ટેક્નોલોજી ધરાવતા કોમ્પ્યુટરાઈઝડ સાધનો દ્વારા ખાદ્ય ચીજોની ચકાસણી માટે રાજ્ય સરકાર દ્વારા કરાયેલા શ્રેષ્ઠ કામગીરી ને પરિણામે ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક મોબાઈલ વાન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી છે.
તંત્ર પાસે હાલ ૨૨ મોબાઈલ ટેસ્ટિંગમાં ઉપલબ્ધ છે. જેનું રાજ્યભરમાં પરિભ્રમણ કરીને જનજાગૃતિ પણ કેળવાશે. જે પૈકીની એક વાન અમદાવાદ જિલ્લાની ફાળવવામાં આવેલ છે. આ વાનનો તમામ આનુષાંગિક ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા પૂરો પાડવામાં આવશે.
આ મોબાઈલ વાન અદ્યતન ટેકનોલોજી યુક્ત સાધનોથી સુસજ્જ છે. જેનો ઉપયોગ દૂધમાં ફેટ, એસ. એન.એફ. પ્રોટીન તથા એમોનિયમ સલ્ફેટ, સુક્રોઝ, વોટર, યુરિયા જેવા કેમિકલ્સ શોધી શકાશે.
આ ઉપરાંત ખાદ્યતેલ કે જેમાં વારંવાર ખાદ્યચીજો તળવામાં આવે તો તેલ ઝેરી બની જાય છે. ઝેરી તેલને ચકાસવા માટેનું મશીન પણ આ વાનમાં ઉપલબ્ધ છે. જેનાથી ફરસાણની દુકાનો પર જઈને તેની ચકાસણી કરાશે. કોઈ પણ ખાદ્ય ચીજવસ્તુમાં ભેળસેળયુક્ત નમુનો પુરવાર થશે તો એની સામે કાયદાકીય રીતે કડક પગલાં લેવાશે.
આ ઉપરાંત આ મોબાઈલ ટેસ્ટિંગમાં દ્વારા ફુડ સેફટી અંગેની જાગૃતિ તેમજ તાલીમ કાર્યક્રમો પણ કરવામાં આવશે.