તસ્કરો દ્વારા લાઈટના થાંભલા અને ઇલેક્ટ્રિક સામાનની ચોરી
અમદાવાદ, શહેરમાં હવે તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેમ લાગી રહ્યો છે. શહેરમાં ચોરીના અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે હવે તસ્કરો સ્ટ્રીટ લાઈટના થાંભલા અને ઇલેક્ટ્રિક સામાન પણ છોડતા ના હોય તેવું લાગી રહ્યું છે. શહેર માં આવા બે બનાવો સામે આવ્યા છે. પ્રથમ બનાવની વાત કરીએ તો હિતેશ કટારીયા નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ આપી છે કે તેઓની કંપનીનું કામ કોર્પોરેશનના અધિકારી સાથે રહીને સ્ટ્રીટ લાઇટના ગલેવેનાઇઝના થાંભલા લાગવાનું તેમજ લાઈટિંગ સર્વે કરવાનું છે. ૮મી ઓક્ટોબરના દિવસે રાત્રીના સાડા અગિયાર વાગ્યાની આસપાસ ૨૮ નંગ ગેલ્વેનાઈઝના થાંભલા, ૩ બ્રેકેટ અને ૧૯ નંગ કેબલ એન્ટ્રી પાઇપને લો ગાર્ડન સામેના જાહેર માર્ગ પર ઉતાર્યા હતા.
જેનો ઉપયોગ લો ગાર્ડન પોલીસ ચોંકી સામે ના જાહેર માર્ગ પર સ્ટ્રીટ લાઇટ લગાવવા માટે કરવાનો હતો. જો કે ૧૯મી ઓકટોબરના દિવસે તેમની કંપનીના કર્મચારીઓ કામ કરવા માટે સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે જાણવા મળ્યું હતું કે તમામ સામાન અહીંથી ગાયબ હતો.
જેની જાણ ફરિયાદીને કરતા ફરિયાદ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આ સામાન ચોરી થયા હોવાની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસ દ્વારા હાલમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે બીજા બનાવવાની વાત કરીએ તો આ બનાવ પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોવા મળ્યો છે. સરદાર બ્રિજ નીચે ગત મોડી રાત્રે સરદાર બ્રીજ નીચેના ભાગમાં લાઇટિંગનું કામ કરવામાં આવી રહ્યું હતું.
આ દરમિયાન અચાનક જ લાઈટો બંધ થઈ ગઈ હતી. જેથી ફરિયાદી અને તેના ભાઇ બ્રિજની ઉપર તપાસ કરવા માટે ગયા હતા. તે સમયે પાલડીથી જમાલપુર તરફ જવાના બ્રિજ પર સુરેશ ઠાકોર નામનો વ્યક્તિ ફૂટપાથ પર સુતા સુતા કેબલ કાપી વાયરની ચોરી કરવાનો પ્રયાસ કરતો હોવાનું નજરે પડ્યું હતું. જેથી ફરિયાદીને તેને ઝડપીને પોલીસને જાણ કરી હતી. પોલીસ હાલમાં આ સમગ્ર મામલે આરોપી સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.SSS