તહેવારોમાં હરવું-ફરવું અને બહાર ખાવું-પીવું મોંઘુ પડ્યું
અમદાવાદ: અમદાવાદમાં કોરોના ફરીથી વધી જતાં શહેરમાં આજે રાત્રે વાગ્યેથી સોમવાર સવારે ૬ વાગ્યા સુધી કમ્પલિટ કરફ્યૂ લાદવામાં આવ્યું છે. જેથી એક વસ્તુ તો સ્પષ્ટ છે કે, સરકાર અને તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવા છતાંય શહેરીજનો કોરોનાને લઈને બેદરકારી દાખવી રહ્યા છે. પરિણામે શહેરમાં કોરોનાનું સંક્રમણ ફરીથી ઝડપથી ફેલાઈ રહ્યું છે. દિવાળીના તહેવારોમાં કોરોનાને ભૂલી હરવા-ફરવા અને હોટલોમાં ખાવા-પીવાના શોખ અનેક શહેરીજનોને ભારી પડી રહ્યો છે.
તેલ અને તીખા ખોરાક ઉપરાંત ભીડભાડવાળા સ્થળોએ પહોંચેલા લોકોમાં હવે શરદી-ખાંસી અને ગળામાં ખરાશની ફરિયાદો વધી જતાં લાભ પાંચમના દિવસથી જ ડૉક્ટરોને ત્યાં લાઈનો જોવા મળી રહી છે. આમ, કોરોનામાં કાળજી રાખવાના બદલે લોકોએ દિવાળીનો તહેવાર હળવાશથી લેતા ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ સ્થિતિ એવી સર્જાઈ છે કે, ઘરોમાં કોઈને કોઈ બીમાર છે.
દિવાળીની રજાઓમાં હરવા-ફરવા માટે પિકનિક પર પહોંચેલા લોકોને પણ સ્વાસ્થ્ય સંબંધી નાની-મોટી તકલીફો થઈ રહી છે. દિવાળીમાં મિઠાઈ-ફરસાણ સહિતની વાનગીઓ આરોગવાના લીધે ગળામાં અસર થઈ રહી છે, જેના કારણે શરદી અને ખાંસીની ફરિયાદો વધી છે. ગળામાં ઈન્ફેક્શન થવાને કારણે કોરોનાની શંકાથી લોકો માનસિક રીતે ચિંતાતુર બન્યા છે, જેથી કરીને ડૉક્ટરોને ત્યાં દવા લેવા માટે લાઈનો લગાવી રહ્યા છે.
આ ઉપરાંત જાહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતાં કોરોનાનું સંક્રમણ પણ ઝડપી બન્યું છે. શહેરમાં દિવાળીના તહેવારો નિમિત્તે વિવિધ બજારોમાં ઉમટેલી ભીડભાડ અને શિયાળાની મોસમને કારણે કોરોનાના કેસમાં ચોંકાવનારો ઉછાળો થતાં રાજ્ય સરકારે પરિસ્થિતિ વણસતી જોઈ અને ગંભીરતાને પામીને કડક ર્નિણય લીધો છે.
જે અંતર્ગત અમદાવાદમાં શહેરમાં આજે રાત્રે ૯ વાગ્યેથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી કમ્પલિટ કરફ્યૂ લાદવાની જાહેરાત કરી છે. જેમાં શનિવારે અને રવિવારના દિવસ દરમિયાન પણ કરફ્યૂ લાગુ રહેશે. આમ શહેરમાં આશરે ૬૦ કલાક સતત કરફ્યૂ રહેશે. જો કે, આ દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રહેશે.