Western Times News

Gujarati News

તહેવારો ટાણે ઝઘડિયામાં રેશનકાર્ડ ધારકો સીંગતેલ, તુવેરદાળ અને ચણાથી વંચિત?

(પ્રતિનિધિ) ભરૂચ, સરકાર દ્વારા અનાજ મળવાપાત્ર રેશનકાર્ડ ધારકોને ચોખા, ઘઉં, ખાંડ, તુવેર દાળ અને ચણા જેવી વસ્તુઓ સરકાર માન્ય વાજબી ભાવની દુકાનોએથી આપવામાં આવતી હોય છે.

હાલમાં ચોખા અને ઘઉં જેવા ધાન્ય કાર્ડ ધારકોને મફત આપવામાં આવે છે.જ્યારે ખાંડ તુવેર દાળ, ચણા જેવી વસ્તુઓ રાહતદરે અપાતી હોય છે.ઉપરાંત શીતળા સાતમ દિવાળી જેવા તહેવારો ટાણે રેશનકાર્ડ ધારકોને સીંગતેલ પણ રાહતદરે આપવાની યોજના હાલ અમલમાં છે.

હાલમાં જ શીતળા સાતમનો તહેવાર ગયો પરંતું શીતળા સાતમના તહેવાર અંતર્ગત કાર્ડ ધારકોને મળવાપાત્ર સીંગતેલનો જથ્થો તહેવાર ગયા બાદ પણ ઝઘડિયા તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં નથી આવ્યો એમ જાણવા મળ્યું છે.

જેને લઈને ગરીબ લોકોને શીતળા સાતમ જેવા મોટા તહેવાર સમયેજ સીંગતેલથી વંચિત રહેવું પડ્‌યું છે ! વ્યાજબી ભાવની દુકાનોમાં રેશનકાર્ડ ધારકોની સંખ્યાને અનુરૂપ તુવેરદાળ અને ચણાનો જથ્થો આપવામાં આવે છે,પરંતુ હાલ ઓગસ્ટ મહિનાનો દાળ ચણાનો જથ્થો જરૂર કરતા અડધો જ દુકાનદારોને આપવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે તુવેર દાળ અને ચણાનો જથ્થો મેળવવા માટે જેતે દુકાનદારે તેને મળવાપાત્ર જથ્થાની પુરી રકમ ભરી દેવાની હોય છે.પરંતું ચાલુ ઓગસ્ટ માસ દરમ્યાન ચણા અને તુવેરદાળના પુરા જથ્થાના પૈસા ભરવા છતાં અડધોજ સ્ટોક આવતા ઘણા ગ્રાહકોએ ચણા અને તુવેર દાળથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.જેને લઈને દાળ,ચણાથી વંચિત રહી ગયેલ રેશનકાર્ડ ધારકોએ તકલીફ ભોગવવાનો વારો આવશે,વળી દુકાનદારોએ પુરા પૈસા ભરવા છતાં અડધો સ્ટોક મળતા તેમની અડધી રકમનું રિફંડ ક્યારે મળશે? એવો પણ સવાલ ઉભો થાય છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ ભરૂચ જીલ્લાના કેટલાક તાલુકાઓની દુકાનોમાં હાલ સીંગતેલનો સ્ટોક આવી ગયેલ છે.જ્યારે ઝઘડિયા તાલુકાના રેશનકાર્ડ ધારકોજ સીંગતેલથી વંચિત રહ્યા છે.ત્યારે પુરવઠા વિભાગ દ્વારા તાકીદે ઝઘડિયા તાલુકાના સરકાર માન્ય વાજબી ભાવના દુકાનદારોને સીંગતેલ, ચણા અને તુવેર દાળનો પુરો જથ્થો મળી જાય તે માટે યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.