તાંત્રિકની અંગત ગણાતી શિષ્યા દિશા જોન તેના ઘરથી ઝડપાઈ
વડોદરા: વડોદરામાં બગલામુખી મંદિરનો બોગસ તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયે ૨૦૧૩થી ૨૦૧૭ એટલે ૫ વર્ષમાં તેની સેવામાં રહેલી સગીરા પર ૧૨ વખત દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ ચકચારી કેસમાં પ્રશાંતને સાથ આપનારી મનાતી અંગત શિષ્યા દિશા ઉર્ફે જોનને ઝડપી પાડવામાં આવી છે. હાલ આ બોગસ તાંત્રિક પ્રશાંત પર આ હેલા લાગેલા દુષ્કર્મ અને ઠગાઇનાં કેસમાં જેલમાં બંધ છે. સગીરાએ પોતાની પોલીસ ફરિયાદમાં પ્રશાંતની અંગત મનાતી ત્રણ શિષ્યા દિશા સચદેવા ઉર્ફે દિશા જોન, દીક્ષા જસવાની ઉર્ફે સીમા તથા ઉન્નતિ જોશી પર પણ આ કૃત્યોમાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો છે.
સગીરાને ધમકાવી ગુરૂ જેમ કહે તેમ કરવા મજબૂર કરનાર અન્ય શિષ્યા દિશા ઉર્ફે જોન ભગતસિંહ સચદેવાને (રહે કાન્હા ગોલ્ડ પી.એસ. સ્કૂલ પાસે વાઘોડિયા રોડ) ગોત્રી પોલીસે તેના ઘરેથી જ ઝડપી પાડી છે. તેની ધરપકડ પૂર્વે કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે પોલીસે જોન ઉર્ફે દિશાને સયાજી હોસ્પિટલમાં મોકલી આપી છે. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી છે કે, જોન ઉર્ફે દિશા મૂળ મુંબઇની છે અને ૧૦ વર્ષથી બગલામુખી મંદિરના પ્રશાંત ગુરૂ સાથે રહેતી હતી.
મોટાભાગે તો આશ્રમમાં જ કામ કર્યા કરતી હતી. પ્રશાંતની પાપલીલાની વાત કરીએ તો તેની સામે સૌપ્રથમ ફરિયાદ વારસિયા પોલીસ સ્ટેશનમાં ૧૭ ફેબુ્રઆરી ૨૦૨૦ના રોજ નોંધાઇ હતી. જે બાદ તે ઝડપાયો હતો. વારસિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા પછી બીજી ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની નોંધાઇ હતી. આ સાથે એક યુવતીએ તેની પર દુષ્કર્મની ફરિયાદ પણ નોધાઇ હતી. લોકડાઉન દરમિયાન ૧૫ દિવસના પેરોલ પર છૂટયા પછી પ્રશાંતે આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.
તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તે દરમિયાન પ્રશાંત સામે પેરોલ જમ્પનો પણ ગુનો દાખલ થયો હતો. અને હવે ચોથી ફરિયાદ પોકસો એકટ હેઠળ ગોત્રી પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ છે. આ સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપી પ્રશાંતને જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટ દ્વારા કબજો લેવાની તજવીજ શરૂ કરી છે.