તાંત્રીકની ચુંગાલમાં ફસાઈ ખાનગી કંપનીના મેનેજરે ૨૧ લાખ ગુમાવ્યા
૨ શખ્સો નદીના કિનારે ગયા હતા. ત્યાં પૂજા-પાઠ કરી સિદ્ધાર્થ શર્માને ૧૦થી ૧૨ ડૂબકી મરાવી હતી.
વડોદરા, વડોદરાથી ઉજ્જૈન દર્શનાર્થે ગયેલા શહેરના ખાનગી કંપનીના મેનેજરને તાંત્રિકે રૂ.૨૧ લાખનો ચૂનો ચોપડ્યો હતો. પોતાનો ધંધો વધારવાની લ્હાયમાં મેનેજર તાંત્રિક બાબાની ચંુગાલમાં ફસાયા હતા. અવનવા જાદુ કરી મેનેજરને વિશ્વાસમાં લેનારા તાંત્રિકે તેનું કુટુંબ સાફ થઈ જશે તેવી ગર્ભિત ધમકી આપી વારંવાર નાણાંની માગણી કરી હતી.
જેનાથી ત્રાસી જઈ મેનેજરે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં પોલીસે તાંત્રિકને ઝડપી લીધો હતો, જ્યારે બાકીના ૩ ઠગોની શોધખોળ શરૂ કરી છે.
અકોટા ગાર્ડન પાસે અનુરાગ સોસાયટીમાં રહેતા ૪૨ વર્ષના સિદ્ધાર્થ પ્રકાશ શર્મા ડિસેમ્બરની ત્રીજી તારીખે દર્શનાર્થે ઉજ્જૈન ગયા હતા. તેઓ મંદિરમાં દર્શન કરી અન્ય સ્થળે જવા રિક્ષા કરી હતી. રિક્ષાચાલક દિનેશ સોલંકીએ ધંધો વધારવા તાંત્રિક પાસે જવાની વાત કરતાં તેમની વાતોમાં આવી ગયા હતા અને તાંત્રિકની મુલાકાત લીધી હતી.
તાંત્રિક બાબાએ પોતાનું નામ ગોપાલ ઉર્ફે રાજ્યગુરુ ઉર્ફે રાજેશ શાસ્ત્રી ઉર્ફે તિલક શાસ્ત્રી રામચંદ્ર ઉર્ફે રામેશ્વર શર્મા વ્યાસ આપ્યું હતું. તાંત્રિકે સ્મશાનમાં વિધિ કરી આદેશ મેળવવાનું જણાવી સિદ્ધાર્થને બીજા દિવસે આવવા જણાવ્યું હતું.
બીજા દિવસે રિક્ષાચાલક દિનેશ સોલંકી કાર લઈ આવ્યો હતો. જેમાં સિદ્ધાર્થ શર્મા, તાંત્રિક તેમજ અન્ય ૨ શખ્સો નદીના કિનારે ગયા હતા. ત્યાં પૂજા-પાઠ કરી સિદ્ધાર્થ શર્માને ૧૦થી ૧૨ ડૂબકી મરાવી હતી. આ વિધિના ૩૧ હજાર તેઓએ ઓનલાઇન દિનેશ સોલંકીના ખાતામાં જમા કરાવ્યા હતા.
ત્યારબાદ તાંત્રિક બાબા કારમાં સિદ્ધાર્થ શર્મા સાથે વડોદરા આવ્યો હતો. હોટલમાં રોકાયેલા બાબાએ તેના પરિવારને અવનવા ચમત્કાર બતાવી દક્ષિણા પેટે બીજા ૩૦ હજાર લીધા હતા અને વિધિ હજુ અધૂરી હોવાનું જણાવી પરત ઉજ્જૈન જવા રવાના થયા હતા.