તાજિયાના જુલુસની પરવાનગી માગતી અરજી સુપ્રીમે ફગાવી
અમે આવો જનરલ ઓર્ડર આપી શકીએ નહીંઃ સુપ્રીમ- ખંડપીઠે જણાવ્યું કે આનાથી હોબાળો થશે અને કોઈ એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરવામાં આવે તેવી દહેશત
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે મોહર્રમના પર્વ ઉપર દેશભરમાં તાજિયાંનાં જુલુસ કાઢવાની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે. આ અંગે લખનૌના અરજદારને અલ્હાબાદ હાઈકોર્ટમાં આ અંગે અરજી કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે તે સમગ્ર દેશ માટે એક જનરલ ઓર્ડર આપી શકે નહીં.
ચીફ જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ વી રામા સુબ્રમણ્યમની ખંડપીઠે જણાવ્યું કે આનાથી હોબાળો થશે અને કોઈ એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરવામાં આવશે. તમે એક સામાન્ય આદેશ આપવા જણાવી રહ્યા છો અને જો અમે તેમ કરીશું તો તેનાથી હોબાળો થશે. કોવિડની સ્થિતિમાં સંક્રમણ વધુ ફેલાવા માટે એક ચોક્કસ સમાજને જવાબદાર ગણી લોકો નિશાન બનાવશે. અમે કોર્ટ તરીકે લોકોનું સ્વાસ્થ્ય જોખમાય તેવું કામ ના કરી શકીએ તેમ વીડિયો કોન્ફરન્સિંગથી થયેલી સુનાવણીમાં બેન્ચે જણાવ્યું હતું.
બેન્ચે અરજદારને પોતાની અરજી પરત ખેંચી લેવા મંજૂરી આપી હતી અને તેને આ મામલે જે તે રાજ્યની હાઈકોર્ટમાં મર્યાદિત લોકો સાથે જુલુસ કાઢવાની માગ કરવા નિર્દેશ આપ્યો હતો. લખનૌ સ્થિત શિયા નેતા સૈયદ કલ્બે જાવાદ દ્વારા કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આમ જણાવ્યું હતું. SSS