તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેવાનું પૂર્વાનુમાન
અમદાવાદ: ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વખતે ગુજરાતમાં સામાન્ય કરતા તાપમાન ઊંચું રહેશે. એટલે કે હવે શિયાળાની વિદાય સાથે જ રાજ્યવાસીઓએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે માર્ચ મહિનાથી મે મહિના સુધી રાજ્યમાં ગરમી વધારે રહેશે. માર્ચ મહિનાની શરૂઆત થતાં જ કાળઝાળ ગરમીનો અહેસાસ શરૂ થઈ જશે. હવામાન વિભાગ આ પહેલા જ ગરમીને લઈને પૂર્વાનુમાન જાહેર કરી ચૂક્યું છે. જે પ્રમાણે ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી તાપસમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. બીજી તરફ રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતા જ અનેક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.
બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે ત્રણ માર્ચથી ગરમી વધશે. સાત માર્ચથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન ૩૮-૩૯ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચાડવાની શક્યતા છે. આ ઉપરાંત ૧૫મી માર્ચથી અંગ દઝાડતી ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ૧૮થી ૨૧ માર્ચ દરમિયાન રાજસ્થાનના બાડમેર વિસ્તારમાં ગરમી વધીને મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે.
તેની અસરને પગલે ગુજરાતના સરહદના ભાગોમાં પણ ગરમી વધશે. ઉલ્લેખનીય છે કે માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતના શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જાેકે, હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતા વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે.